Ahmedabad News - અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાની બાળકી સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થતા 5 લોકો દટાયા હતા. એક નાની બાળકી સહિત ચાર લોકોને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે બહાર કાઢી લીધા હતા અને 108 મારફતે સારવાર માટે નજીકમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, એસવીપી હોસ્પિટલમાં સારવાર પહેલાં તો તેઓને ખર્ચ કહેવામાં આવ્યો હતો. પ્રતિ વ્યક્તિના સીટી સ્કેન સહિતનો ખર્ચ 8 હજાર રૂપિયા એમ ચાર વ્યક્તિનો કુલ 24 હજાર રૂપિયા જેટલા ખર્ચ થશે તેવું જણાવવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ તાત્કાલિક આ પરિવારના લોકો ભરી શકે તેમ ન હોવાથી તેઓ સારવાર કર્યા વિના જ પરત ફર્યા હતા. એક તરફ SVP હોસ્પિટલને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હોસ્પિટલ કહી અને શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવારની જગ્યાએ તેઓને પૈસા ગણાવવામાં આવતા હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઊભા થયા છે