અમદાવાદ શહેરમાં સપ્ટેમ્બર માસમાં 28 તારીખ સુધીમાં ડેન્ગ્યૂના 811 કેસો સામે આવ્યા છે. મલેરિયાના 624 અને ઝેરી મલેરિયાના 37 કેસો સાથે મચ્છરજન્ય રોગચાળાના કુલ1,478 કેસો મ્યુનિ.ચોપડે નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોના આંકડાઓ જોવામાં આવે તો 2,500થી વધુ કેસો હોવાની સંભાવના છે. પાણીજન્ય રોગચાળામાં ટાઇફોડના 703, કમળાના 311, ઝાડા-ઉલટીના 444 અને કોલેરાના 3 કેસો સામે આવ્યા છે. શહેરમાં બોડકદેવ, થલતેજ, લાંભા, વટવા, ગોતા, નવરંગપુરા. ચાંદખેડા અને વસ્ત્રાલમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસો જોવા મળ્યા છે. સપ્ટેમ્બર માસમાં મલેરિયાના લક્ષણો ધરાવતા હોય તેવા કુલ 1.15,215 લોહીના નમુના લેબોરેટરી તપાસ માટે લેવાયા છે. જ્યારે ડેન્ગ્યૂના લક્ષણો ધરાવતા હોય તેવી શંકાવાળા કુલ 4,498 સીરમના સેમ્પલ લેવાયા હોવાનું મ્યુનિ.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. પાણીજન્ય રોગચાળામાં શહેરમાં ટાઇફોડનો રોગચાળો વધુ વકર્યો છે. ગત વર્ષ 2018ના સપ્ટેમ્બર માસ દરમિયાન ટાઇફોડના કુલ 380 કેસો નોંધાયા હતા. તેની તુલનામાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં 28 દિવસમાં જ ટાઇફોડની 703 કેસ સામે આવ્યા છે. આમ બમણા કેસો જોવા મળે છે. લાંભામાં 2 અને મણિનગરમાં 1 એમ કુલ 3 કેસ કોલેરાના સામે આવ્યા છે.સપ્ટેમ્બર માસમાં મ્યુનિ.તંત્રએ મચ્છરોના બ્રીડિંગ સહિતના રોગચાળાના મામલ જુદાજુદા એકમોને નોટિસ ફટકારીને 51 લાખનો દંડ વસુલ્યો છે. શહેરમાં રોગચાળો બેકાબૂ થઇ રહ્યો છે. વરસાદ અટકવાનું નામ લેતો નથી. રોડ અને ઘરણાંગણે ભરાયેલા વરસાદી પાણીના ખાબોચિયા મચ્છરો પેદા કરી રહ્યા છે. ગટર-પાણીની લીકેજ લાઇનો પાણીજન્ય રોગચાળો વધારી રહ્યા છે. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા વિવિધ રોગો વધુ વકરી રહ્યા છે. ત્યારે મ્યુનિ.તંત્ર દ્વારા દવાનો પુરતો છંટકાવ કરીને તેમજ વિવિધ પગલાઓ અસરકારક રીતે ઉઠાવીને રોગચાળાને કાબૂમાં લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.