સુરત ડ્રીમ સિટીના ચેરમેન તરીકે એસ.એસ રાઠોડની નિયુક્તિ કરાઇ
નિવૃત્ત IAS ડો. રાજીવ ગુપ્તાની GIDMના ડાયરેક્ટર જનરલ અને GMDCના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદે નિમણૂંક કરાઈ
ગુજરાત સરકારે કેટલાક અધિકારીઓને વધારાની નિમણૂકો આપી છે અને કેટલાક ફેરફાર કર્યા છે, જેના અનુસંધાને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર ડો. હસમુખ અઢિયાને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસીએલ), વડોદરાના ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નિવૃત્ત IAS ડો. રાજીવકુમાર ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ બનાવાયા એ ઉપરાંત તેમને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદે પણ નિમણૂક આપવામાં આવી છે.
પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી
હસમુખ અઢિયા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા 1981ની બેચના ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી છે. અગાઉ રાજ્ય સરકારે મુખ્યમંત્રીના એડવાઇઝર એસએસ રાઠોરને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા.બીજી તરફ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી નિવૃત્ત થયેલા ડો. રાજીવકુમાર ગુપ્તાને લાંબા સમય પછી ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ આપી છે, આ જગ્યાના હવાલામાંથી નિવૃત્ત આઇએએસ અધિકારી પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. તેમનો આ ઓર્ડર સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડયો છે.
લલીત પાડલિયાને એક વર્ષ માટે નિમણૂંક અપાઈ
રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગના સેક્રેટરી (અપીલ્સ) અને ઓફિસર ઓન સ્પેશ્યલ ડયટી તરીકે 2003ની બેચના નિવૃત્ત આઇએએસ લલીત પાડલિયાને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂક આપવામાં આવી છે. એ ઉપરાંત મહેસૂલ વિભાગના આદેશ પ્રમાણે ગુજરાત વહીવટી સેવાના એનઆર દુબે કે જેમને નાયબ કલેક્ટરની કરેલી બદલીના હુકમો મૂળ અસરથી રદ કરી તેમને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના જનરલ મેનેજરની જગ્યાએ ફરજ બજાવતા ટીજે વ્યાસની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે, જ્યારે ટીજે વ્યાસની નાયબ કલેક્ટરની સેવાઓ મહેસૂલ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે.
પંકજકુમાર પણ એક વિભાગમાં ચેરમેન બને તેવી સંભાવના.
રાજ્ય સરકારે ત્રણ જાહેર સાહસોમાં રાજકીય નિમણૂકો કરી છે પરંતુ તેમાં નિવૃત્ત અધિકારીઓને મૂક્યા છે જે અચરજ પમાડે તેવું છે. હવે રાજ્યના નિવૃત્ત આઇએએસ ઓફિસર અને પૂર્વ ચીફ સેક્રેટરી પંકજકુમારનું પોસ્ટીંગ કરવામાં આવે તેવી સંભાવના છે. સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેનનું પદ આપવામાં આવી શકે તેમ છે, કેમ કે આ જગ્યા નિવૃત્ત આઇએએસ અમરજીતસિંઘનો ટેન્યોર પુરો થતાં નવેમ્બર ૨૦૨૨થી ખાલી પડી છે.