રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોકમાં શુક્રવારે સાંજે એક કાર અન્ય કાર સાથે અથડાઇને ઊભી રહી ગઇ હતી. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ અકસ્માત સર્જનાર કાર પાસે જઇને તપાસ કરી તો કારચાલક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.
નવા થોરાળામાં ખીજડાવાળા રોડ પર રહેતા મનુભાઇ હીરજીભાઇ પરમાર (ઉ.વ.55) શુક્રવારે સાંજે પોતાની કાર ચલાવીને એસ્ટ્રોન ચોક પાસેથી પસાર થતાં હતા ત્યારે અચાનક જ તેઓ બેભાન થઇ ગયા હતા અને તેમની કાર અન્ય એક કાર સાથે અથડાઇ હતી. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને અકસ્માત સર્જનાર કાર પાસે લોકો પહોંચ્યા તો કારચાલક મનુભાઇ પોતાની સીટ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા.કારચાલક મનુભાઇને હાર્ટએટેક આવ્યાનું પ્રથમ દૃષ્ટિએ લાગતાં જ લોકોએ તેમને કારની બહાર કાઢ્યા હતા અને સીપીઆર ટ્રીટમેન્ટ આપી પ્રૌઢને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ કરાતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. મૃતક થોરાળાના મનુભાઇ પરમાર હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.