રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરદીનો ચેપ વહાલસોયાને લાગે નહીં એટલે જનેતાએ રાત્રે 40 દિવસના પોતાના પુત્રને પડખાથી નીચે બાજુમાં સુવડાવ્યો હતો અને પોતે શરદીની દવા પીને સૂઇ ગઇ હતી એ માતાને ક્યાં ખબર હતી કે જેને પોતાનાથી એક સેકન્ડ માટે દૂર નથી કર્યો તે પુત્ર પોતાના જ ભારથી દબાઇને હંમેશા માટે વિદાય લઇ લેશે આ કમનસીબ ઘટના શહેરના નીલકંઠ પાર્કમાં બની હતી.
કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતો ચાલીસ દિવસનો માસૂમ વેદ રવિભાઇ જાનિયાણી રવિવારે વહેલી સવારે તેની માતાના પગ નીચે દબાઇ જતાં ગૂંગળાઇ ગયો હતો, માસૂમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂઠા બનાવવાનું કારખાનું ધરાવતા રવિભાઇ જાનિયાણીને ત્યાં ચાલીસ દિવસ પૂર્વે જ પુત્રની પ્રાપ્તિ થઇ હતી, પુત્રના જન્મથી જાનિયાણી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી થોડા દિવસ માટેની જ હતી તેનો જાનિયાણી પરિવારને સ્વપ્નેય ખ્યાલ નહોતો, રવિભાઇના પત્ની કાજલબેનને બે દિવસથી શરદી થઇ હતી, પોતાની શરદીનો ચેપ પોતાના વહાલસોયા વેદને લાગુ પડે નહીં તેની માતા કાજલબેન સતત ખેવના કરતા હતા.
શનિવારે રાત્રે કાજલબેને શરદીની દવા પીધી હતી, અને પુત્રને શરદીનો ચેપ લાગે નહીં તે માટે તેને પોતાની બાજુમાં સુવડાવવાને બદલે કાજલબેને થોડે નીચે કમર પાસે સુવડાવ્યો હતો, અને કાજલબેન તથા તેનો પુત્ર વેદ સૂઇ ગયા હતા. રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં રવિભાઇ જાગ્યા હતા ત્યારે પત્ની પાસે સૂતેલા પુત્રની સ્થિતિ જોઇને તે સ્તબ્ધ થઇ ગયા હતા. પુત્ર વેદ તેની માતા કાજલબેનના પગ નીચે દબાયેલો જોવા મળ્યો હતો, રવિભાઇએ તાકીદે પત્નીને ઉઠાડી પુત્રને બહાર કાઢ્યો હતો પરંતુ તે બેભાન થઇ ગયો હતો, પુત્રને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. એકના એક પુત્રનાં મોતથી માતા પિતાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.