સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ માટેના તમામ અવરોધો હવે દૂર થઇ ગયા છે. સુરત એરપોર્ટ પરથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે.
હીરા ઉદ્યોગકારોને વેપાર માટે અનેક વખત વિદેશ જવું પડે છે. તેથી સુરત ડાયમંડ બુર્સના સભ્યોએ અમેરિકા, લંડન, સિંગાપોર, બેંગકોક માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા માટેની કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રજૂઆત કરી હતી. જેથી સુરત એરપોર્ટ પરથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવાનો લેવાયો છે. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાથી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ જશે. આ ફ્લાઇટ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને મોટો ફાયદો થશે.
સુરતીઓને પણ ફાયદા
હાલ સુધી સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો ઇન્ટરનેશનલ ફલાઇટ માટે મુંબઇ જતા હતા. સુરતથી દુબઇની ફ્લાઇટ શરૂ થઇ જાય તો ત્યાંથી દુનિયાના કોઇપણ દેશમાં જઇ શકાશે. એટલે મુંબઇ જવાની જરૂરિયાત નહીં રહે. આ ઉપરાંત મુંબઇ જવા માટે લાગતો 4 કલાકનો સમય અને ટેક્સીના રૂ. 3-5 હજારનો બચાવ થશે.