અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારત યાત્ર માટે 24 ફેબ્રઆરીએ અમદાવાદ પહોંચશે. ટ્રમ્પનુ સત્તાવાર શીડ્યુલ હવે જાહેર થયુ છે. ટ્રમ્પ અમદાવાદમાં માંડ ત્રણ કલાક જ રોકાવાના છે. ખુદ પીએમ મોદી પ્રોટોકોલ તોડીને અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પને આવકારવા માટે પહોંચશે. ટ્રમ્પ સવારે 11-55 વાગ્યે એરફોર્સ વન વિમાન થકી અમદાવાદ પહોંચશે. એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રમ્પ અને પીએમ મોદી 22 કિલોમીટરનો રોડ શો કરશે. ભારતની ઝલક બતાવવા માટે રોડ શો દરમિયાન 28 મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ટ્રમ્પ સાબરમતી આશ્રમ પણ જશે. જયાં તે ખાલી 15 મિનિટ રોકાવાના છે. ટ્રમ્પ અને તેમના પત્નીને રેંટિયાની ગિફ્ટ અપાશે. આશ્રમથી નિકળીને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે 1-15 વાગ્યે પહોંચશે. જ્યાં પીએમ મોદી સાથે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરશે. જે હાઉડી મોદી જેવો કાર્યક્રમ હશે. આ દરમિયાન સ્ટેડિયમમાં સંખ્યાબંધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમ બાદ અમેરિકન મહેમાનો માટે લંચ પણ યોજાશે.