રાહુલ ગાંધી સામે બદનક્ષીનો ફરિયાદી ભાજપ કાર્યકર હોવાનો પુરાવો રજૂ કરવા સૂચના

Webdunia
બુધવાર, 1 મે 2019 (12:15 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ કોગ્રેંસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરનાર ભાજપનો સક્રિય કાર્યકર હોવા અંગેનો પુરાવો રજૂ કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે અને વધુ સુનાવણી બુધવારે રાખી છે.મધ્યપ્રદેશમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યું હતું. આથી ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદની સુનાવણી મંગળવારે હાથ ધરાઈ ત્યારે કોર્ટે કેટલીક ક્વેરી કાઢી હતી અને ફરિયાદીના વકીલને કહ્યું હતું કે, આ ફરિયાદ અંગેનું જ્યુરિડિક્શન આ કોર્ટને છે કે નહીં. આથી ફરિયાદી તરફે એડવોકેટ અજિતસિંહ જાડેજાએ દલીલ કરી હતી કે, કેરળ હાઇકોર્ટનું 1998નું જજમેન્ટ છે. જેમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે જે જગ્યાએ ભાષણ કરતો હોય અને એ બાબત સમાચાર માધ્યમોમાં પબ્લિશ થાય ત્યારે એ બેમાંથી કોઈ પણ જગ્યાએ ફરિયાદ દાખલ થઈ શકે છે અને આ પ્રસ્થાપિત થયેલો કાયદો છે. કોર્ટે ફરિયાદીના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી હતી. ત્યારબાદ કોર્ટે ફરિયાદી ભાજપનો સક્રિય કાર્યકર છે તે અંગેનો પુરાવો માગ્યો હતો. આથી ફરિયાદી તરફે બુધવારે પત્ર રજૂ કરવાની બાંહેધરી આપી હતી.
 
 

સંબંધિત સમાચાર

Next Article