ઝારખંડ ચૂંટણી પરિણામ : ભાજપે મુદ્દા પસંદ કરવામાં ભૂલ કરી?

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (13:11 IST)
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ભારે રસાકસીના સંકેત મળી રહ્યા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ઝારખંડ મુક્તિ મોરચા અને કૉંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળનું ગઠબંધન બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. જોકે, પૂર્ણ બહુમત મેળવવાનો ભાજપ પણ દાવો કરી રહ્યો છે.
 
આ પહેલાં મતગણતરીના પ્રાંરભિક કલાકોમાં જ ગઠબંધન ભાજપ કરતાં આગળ નીકળવા લાગ્યું હતું. જોકે, બાદમાં ભાજપ મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરતો જણાયો હતો.
 
ઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો છે અને બહુમતી માટે 41 બેઠકોની જરૂર છે. પાંચ તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીના ઍક્ઝિટ પોલમાં જેએમએમ-કૉંગ્રેસ-રાજદના ગઠબંધનને બહુમતી મળવાના સંકેત બતાવાયા હતા.
 
હેમંત સોરેન મુખ્ય મંત્રી બનશે?
 
કૉંગ્રેસના ઝારખંડના પ્રભારી આરપીએન સિંહે જણાવ્યું છે કે હેમંત સોરેન રાજ્યના મુખ્ય મંત્રી બનશે. તેમણે કહ્યું, "અમને વિશ્વાસ છે કે રાજ્યમાં ગઠબંધનને બહુમત મળશે અને હેમંત સોરેન અમારા ગઠબંધન તરફથી મુખ્ય મંત્રી બનશે."
 
હાલમાં હેમંત સોરેન બન્ને બેઠકો પરથી આગળ ચાલી રહ્યા છે.
 
ઝારખંડની દુમકા અને બરહેટ વિધાનસભાની બેઠકો પરતી સોરેન આગળ ચાલી રહ્યા છે.
 
આ પહેલાં રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું કે ઝારખંડમાં મહાગઠબંધન વિજય હાંસલ કરવા જઈ રહ્યું છે અને હેમંત સોરેન રાજ્યના મુખ્ય મંત્રી બનશે.
 
રાજ્યમાં ભાજપના નેતૃત્વ પર સવાલ
વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બારના મતે રાજ્યમાં ભાજપનું નેતૃત્વ નબળું પડ્યું છે.
 
બીબીસીની હિંદી સેવા સાથેના ફેસબુક લાઇવમાં નુસ્તુલાએ પોતાનો મત વ્યક્ત કર્યો કે મોટા ભાગના નિર્ણયો નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં સ્તરે જ લેવાતા હોવાથી નેતૃત્વ નબળું પડ્યું છે.
 
તેઓ જણાવે છે, "વાજપેયીના સમયમાં ભાજપમાં પ્રાદેશિક સ્તરે મજબૂત લોકો હતા અને તેમાં મોદી પોતે પણ સામેલ હતા. જોકે, હવે રાજ્યોમાં એવું નેતૃત્વ નજરે પડતું નથી"
 
ભાજપની સરકાર બનશે : રઘુવર દાસ
 
ગઠબંધન બહુમતી તરફ પણ રઘુવર દાસે કહ્યું ભાજપની સરકાર બનશે
 
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બપોરે 12 વાગ્યા સુધીનાં વલણોમાં કૉંગ્રેસ, ઝારખંડ મુકિત મોરચા અને રાષ્ટ્રીય જનતા દળનું ગઠબંધન 42 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ 28 બેઠકો પર અને અન્ય 11 બેઠકો પર આગળ ચાલે છે.
 
વલણો વિરુદ્ધ હોવાં છતાં ઝારખંડના મુખ્ય મંત્રી રઘુવર દાસનું કહેવું છે કે અમે પૂર્ણ બહુમત મેળવીશું અને રાજ્યમાં ભાજપની આગેવાનીમાં જ સરકાર બનશે. 
 
એમણે કહ્યું કે વલણોએ અંતિમ પરિણામ નથી. 
 
મુદ્દોને પસંદ કરવામાં ભાજપે ભૂલ કરી?
 
ઝારખંડની ચૂંટણીનાં પરિણામોમાં આવી રહેલાં પ્રારંભિક વલણો જોતાં ભાજપને પછડાટ મળી રહી છે.
 
ભાજપે ચૂંટણીપ્રચારના પ્રારંભમાં આર્ટિકલ 370, રામમંદિર અને ત્રણ તલાક જેવા મુદ્દાઓ પર પ્રચાર કર્યો, જોકે બાદના તબક્કામાં પક્ષ નાગરિક સંશોધન કાયદા તરફ વળી ગયો.
 
બીજી બાજુ, વિપક્ષે સ્થાનિક મુદ્દાઓને મહત્ત્વ આપ્યું. રોજગારી, પાણીની અછત, 'જળ, જંગલ અને જમીન'નું રક્ષણ અને ઍન્ટી લિંચિગનો કાયદો, આ મુદ્દાઓ પર વિપક્ષે ચૂંટણી લડી.
 
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 37 બેઠકો મળી હતી અને પાંચ બેઠકો જીતનારા ગઠબંધનના સહયોગી આજસુ સાથે મળીને તેણે સરકાર રચી હતી.
 
આ ઉપરાંત ચૂંટણી બાદ બાબુલાલ મરાંડીના નેતૃત્વવાળો જેવીએમ-પી પોતાના છ ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ ગયો હતો.
 
ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાસત્તાક)ના નેતા બાબુલાલ મરાંડીએ કહ્યું છે કે પરિણામો તેમની આશા અનુસાર નથી આવ્યાં.
 
રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું છે કે ઝારખંડમાં મહાગઠબંધન વિજય હાંસલ કરવા જઈ રહ્યું છે અને હેમંત સોરેન રાજ્યના મુખ્ય મંત્રી બનશે.

સંબંધિત સમાચાર

Next Article