બ્રિટનના PM બોરિસ જોન્સને જીત્યો અવિશ્વાસનો મત પણ પક્ષમાં વિદ્રોહ વધ્યો

Webdunia
મંગળવાર, 7 જૂન 2022 (08:41 IST)
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને તેમની કન્ઝર્વેટિવ પક્ષની અંદર લવાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી લીધો છે. જોન્સનના કન્ઝર્વેટિવ પક્ષમાં જ કેટલાય સાંસદોએ પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પક્ષમાં જોન્સનનું નેતૃત્વ નથી ઇચ્છી રહ્યા.
 
પીએમ જોન્સને 59 ટકા મત જીત્યા, જેનો અર્થ એવો થાય છે કે હવે આગામી એક વર્ષ માટે પક્ષમાંથી તેમને કોઈ પડકારી નહીં શકે.
 
કન્ઝર્વેટિવ પાર્ટીના 211 સાંસદોએ પીએમ જોન્સન ના પક્ષમાં મત નાખ્યા, જ્યારે 148એ તેમના વિરુદ્ધમાં મતદાન કર્યું.
 
અવિશ્વાસ પ્રસ્તાવનાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે જોન્સન બ્રિટનના વડા પ્રધાન બની રહેશે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે જોન્સન વિરુદ્ધ વધી રહેલો વિદ્રોહ એમની પકડ ઢીલી થઈ હોવા તરફ નિર્દેશ કરે છે.
 
નોંધનીય છે કે કોવિડ-19 મહામારી જ્યારે સમગ્ર વિશ્વ સહિત યુકેમાં પણ કેર બનીને તૂટી પડી હતી તે સમયે સામાન્ય જનતાને નિયંત્રણોનું પાલન કરવા હાકલ કરનાર યુકેની સરકારના ટોચના અધિકારી અને નેતાઓ પાર્ટીમાં સામેલ થયા હતા. જેમાં વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભાગ લીધો હતો.
 
આ મામલે સિનિયર સિવિલ અધિકારીના રિપોર્ટના કારણે બોરિસ જોન્સનની ઘણી ટીકા થઈ હતી. આ સમગ્ર મામલાને વિશ્વનું મીડિયા પાર્ટી ગેટ સ્કૅન્ડલ તરીકે ઓળખાવે છે.
 
પાર્ટી ગેટ સ્કૅન્ડલમાં સિનિયર સનદી અધિકારી મિસ ગ્રેના રિપોર્ટ બાદ બોરિસ જોન્સનના રાજકીય ભવિષ્ય અંગે અટકળોની શરૂઆત થઈ હતી.
 
આ રિપોર્ટનું વચગાળાનું વર્ઝન આ વર્ષે જાન્યુઆરી માસમાં રજૂ કરાયું હતું. તે સમયથી જ તેમના પક્ષના ઘણા સાંસદો જોન્સનના રાજીનામાની માગ કરવા લાગ્યા હતા. પરંતુ આ સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરાતાં ફરી એક વાર મજબૂતીથી આ માગ ઊઠવા લાગી છે.
 
આ સિવાય પાર્ટીના નેતાઓમાં કરના દરોમાં વધારો અને જીવન જીવવાના ખર્ચમાં થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે સરકારનાં મર્યાદિત પગલાંથી પણ નારાજગી છે.
 
તેમનાં પુરોગામી વડાં પ્રધાન થેરેસા મે વર્ષ 2018માં વિશ્વાસમત જીતી ગયાં હતાં. તેમ છતાં છ માસમાં જ તેમણે બ્રેક્ઝિટ ડીલ પાસ ન કરાવી શકતાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

સંબંધિત સમાચાર

Next Article