દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી છે. જેને લઇને સામાન્ય પ્રજાની કમર ભાંગી ગઇ છે. લોકો માટે જીવવું મુશ્કેલ બનતું જાય છે. કારણ કે શાકભાજીથી માંડીને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે લોકો સીએનજી તરફ વળ્યા છે, પરંતુ હવે સીએનજીના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય વર્ગને સીએનજી ગાડી પણ પોસાય તેમ નથી.
ત્યારે ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 14 એપ્રિલે મધ્યરાત્રીથી ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો થઈ જશે.
ગુજરાત ગેસે આજે એક અખબારી યાદીમાં સીએનજી ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે 14 એપ્રિલે મધ્યરાત્રીથી સીએનજીના ભાવમાં 2.58 રૂપિયાનો વધારો થશે. આ ભાવ વધારા બાદ સીએનજી ગેસનો ભાવ 79.56 રૂપિયા થઈ જશે. મહત્વનું છે કે સીએનજી ગેસનો ભાવ 76.98 રૂપિયા હતા.