જીએસટીના લીધે રાજ્ય સરકારની તિજોરી ખાલીઃ નિતિનભાઈના નિવેદનથી સવાલો ઉઠ્યાં

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (16:40 IST)
થોડા સમય પહેલા જ રાજ્યમાં દારૂબંધીને કારણે ગુજરાતને નુકસાન થાય છે, આવું નિવેદન આપી ભારે ચર્ચા જગાવ્યા બાદ હવે ફરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે જીએસટીના લીધે રાજ્ય સરકારની તિજોરી ખાલી છે. ગુજરાત સરકારના સામાન્ય બેજટ પહેલા નાયબ  મુખ્યપ્રધાનના નિવેદનના કારણે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 

દેશભરમાં જીએસટી લાગુ થયાને 2 વર્ષ થઈ ગયા છે, આમ તો કેન્દ્ર સરકાર જીએસટીને પોતાના મહત્વના નિર્ણયમાંથી એક માને છે જો કે જીએસટીના કારણે ગુજરાતને નુકસાન થઇ રહ્યું છે. આવું નિવેદન ખૂદ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપ્યું છે. નીતિન પટેલનું કહેવું છે કે જીએસટીના કારણે રાજ્યને વર્ષે ચારથી પાંચ હજાર કરોડનું નુકસાન થઇ રહ્યું છે. આગામી 5 વર્ષમાં 14 % ગ્રોથ સાથે કેન્દ્ર સરકાર રકમની ભરપાઈ કરશે એ પ્રકારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 

નીતિન પટેલે જણાવ્યું કે જો કે પ્રજાહિત માટે રાજ્ય સરકારની તિજોરીનું નુકસાન બહુ મહત્વ નથી રાખતો, પરંતુ પેટ્રોલ અને ડીઝલને હાલ પૂરતો જીએસટી હેઠળ લાવવા એક પણ રાજ્ય સરકારની તૈયારી ના હોવાથી તેના પર વેટ જ લાગુ પડશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વેટની આવક માત્ર રાજ્ય સરકાર પાસે રહેતી હોવાથી હાલમાં અલગ અલગ રાજ્યમાં સરકારો દ્વારા આ નિર્ણય લેવાયો છે.

સંબંધિત સમાચાર

Next Article