રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી ત્યારે રડી પડ્યા હતા જ્યારે તેમના પુત્ર અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી-વેડિંગ ઇવેન્ટ દરમિયાન પોતાની તબિયતની સમસ્યાઓ વિશે વાત કરી હતી. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય ભવ્ય પ્રી-વેડિંગ સેરેમની શુક્રવારે શરૂ થઈ ચુકી છે.
અનંત અંબાણીએ સ્પીચની શરૂઆત કરતાં કહ્યું હતું કે થેંક યુ મમ્મા.... આ બધું જ મારી મમ્મીએ કર્યું છે. છેલ્લા ચારેક મહિનાથી મારી મમ્મી રોજના 18-19 કલાક આ ફંક્શનની તૈયારીમાં વ્યસ્ત હતી. હું મારા મમ્માનો ઘણો જ આભાર માનું છું. અહીં આવેલા તમામેતમામ મહેમાનોનો હું આભાર માનું છું. મને ને રાધિકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે લોકો જામનગર આવ્યા. અમે તમારો દિલથી આભાર માનીએ છીએ. જો અમારા કારણે તમને કોઈ તકલીફ પડે તો અમારા બંનેના પરિવારને માફ કરજો. અમને આશા છે કે તમે લોકો આગામી ત્રણ દિવસ ભરપૂર એન્જોય કરશો. હું મારા પેરેન્ટ્સ, ભાઈ-ભાભી, બહેન-જાજીજીનો આભાર માનું છું. તેમણે મારી ને રાધિકા માટે આ ઇવેન્ટને યાદગાર બનાવવા ઘણો જ પ્રયાસ કર્યો. મારો પરિવાર આ ઇવેન્ટને યાદગાર બનાવવા છેલ્લા બેથી ત્રણ મહિના માત્ર ત્રણ કલાક જ સૂતો હતો.
"મારો પરિવાર મને વિશેષ લાગે તે માટે શક્ય તેટલું બધું કરી રહ્યો છે. મારું જીવન સંપૂર્ણપણે ફુલોની પથારી નથી. મેં કાંટાની પીડાનો પણ અનુભવ કર્યો છે. મેં બાળપણથી જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ મારા પિતા અને માતાએ મને ક્યારેય પણ આનો અહેસાસ થવા દીધું નથી. મને લાગે છે કે મેં સહન કર્યું છે. પણ તેઓ હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે."