ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણીપંચને મીડિયા કર્મીઑ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે જવાબ આપ્યો હતો કે વાતાવરણને લઈને હિમાચલ પ્રદેશની ચૂંટણી વહેલી જાહેર કરવામાં આવી છે.
લોકોને પરેશાની ન થાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા આ ર્નિણય કરવામાં આવ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ચૂંટણીની જાહેરાત અત્યારે કરવામાં આવી નથી જેથી દિવાળી બાદ એટલે કે હજુ પણ ૧૫-૨૦ દિવસ પછી જાહેર થશે તેવી શક્યતાઓ છે.
ગુજરાત પહેલા હિમાચલની ચૂંટણીઓ જાહેર કરવા સંદર્ભે કમિશને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજવાનો તર્ક રજૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, ગુજરાત અને હિમાચલની ચૂંટણી એક સાથે કેમ ન યોજાઇ શકે કારણ કે શિયાળાની ઋતુ અને આબોહવાને કારણે હિમાચલની ચૂંટણી સમયસર કરવી જરૂરી છે.
સામે પક્ષે તહેવારોની સીઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને મહત્વનું છે કે હિમાચલ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા વચ્ચે ૪૦ દિવસનો તફાવત છે એટલે કે બંને ચૂંટણી વચ્ચે અવકાશ રાખવા અને તૈયારીઓ કરવા પૂરતો સમય છે તેથી ગુજરાતની ચૂંટણી પાછળથી યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
પણ આ સાથે ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી વ્યવસ્થાની વાત પણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ઓકટોબર મહિનામાં લોકતંત્રનું પર્વ પણ આવી રહ્યું છે.