આજથી ભાજપનુ મિશન સૌરાષ્ટ્ર ! BJP નેતાઓના મતભેદો ડામવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા કરશે મથામણ

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (12:49 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની ચહેલ-પહેલ વધી છે. રાજકીય પક્ષોના ટોચના નેતાઓના પ્રવાસ ઉપરા-છાપરી ગોઠવાઈ રહ્યાં છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. જે.પી.નડ્ડા પોતાની મુલાકાતમાં ખેડૂતો અને સૌરાષ્ટ્ર પર ખાસ ફોક્સ કરવાના છે.

ગાંધીનગરના નભોઈ ખાતે ભાજપ કિસાન મોરચા આયોજીત નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં જે.પી.નડ્ડા હાજર રહીને સંબોધન કરશે. જે બાદ ગાંધીનગરમાં જ મેયર સમિટ કાર્યક્રમમાં હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા બપોર બાદ મિશન સૌરાષ્ટ્ર પર જશે. સૌરાષ્ટ્રની રાજનીતિના એપી સેન્ટર રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના મહા સંમેલનમાં જે.પી.નડ્ડા ભાગ લેશે.આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સાથે 15 હજારથી વધારે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ હાજરી આપશે. તો સાંજે મોરબીમાં જે.પી. નડ્ડા રોડ-શો કરશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સાથે મોટી માત્રામાં કાર્યકરો અને આગેવાનો પણ જોડાશે.જે બાદ રાત્રે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજીત વિરાંજલી કાર્યક્રમમાં જે.પી. નડ્ડા હાજર રહેશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન રાજકોટ અને મોરબી જવાના છે.ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્ર એપિસેન્ટર અને સૌથી મહત્વનો વિસ્તાર ગણાય છે.સૌરાષ્ટ્ર પ્રાંતમાં જ સૌથી વધારે વિધાનસભાની બેઠકો આવેલી છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અને ગ્રામીણ મતદારોની નારાજગીને પગલે ભાજપને ઓછી બેઠકો મળી હતી. તો સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ છે.ભાજપ નેતાઓને મતભેદો ડામીને પાર્ટી માટે એકસંપ થઈ કામે લાગવાનું સૂચન રાષ્ટ્રીય અધ્યક્ષ કરી શકે છે. આ ઉપરાંત ભાજપ દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. ત્રણ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ CM વિજય રૂપાણીના મત વિસ્તારમાંથી વધુ બેઠકો જીતીને મિશન 150ના સંકલ્પને સાકાર કરવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં જોર વધતા જોરને લઈને પણ ભાજપ સતર્ક બન્યું છે.

સંબંધિત સમાચાર

Next Article