ગુજરાત : કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીને લઈને કઈ ગૅરંટીઓની જાહેરાત કરી?

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2022 (17:40 IST)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અમુક ગૅરંટી જાહેર કરી હતી.
 
ચૂંટણીને ધ્યાને રાખીને કેજરીવાલે ગૅરંટીઓ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 24 કલાક વીજળી, શૂન્ય વીજળી બિલ અને જૂના વીજબીલો માફ કરવાની ગૅરંટી આપી છે."
 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અમુક ગૅરંટી જાહેર કરી હતી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અમુક ગૅરંટી જાહેર કરી હતી
 
તેમજ બેરોજગારીની સમસ્યા અંગે વાત કરતાં તેમણે બેરોજગારીને ડામવા માટેની ગૅરંટી જણાવી હતી. જે અનુસાર, "ગુજરાતના તમામ નોકરીવાંછુ યુવાનને નોકરી આપવામાં આવશે અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા પ્રતિ માસનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે."
 
આ સિવાય તેમણે ત્રીજી ગૅરંટી વિશે વાત કરતાં રાજ્યમાં દસ લાખ સરકારી નોકરીઓ આપવાની વાત કરી હતી.

<

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલની પત્રકાર પરિષદ #LIVE https://t.co/qLUpyNtGC2

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022 >
ચોથી ગૅરંટી વિશે વાત કરતાં કેજરીવાલે સરકારી પરીક્ષાઓનાં પેપરો લીક થવાની સમસ્યા બાબતે એક કડક કાયદો લાવીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
 
પાંચમી ગૅરંટીમાં ગુજરાતના સહકારી સૅક્ટરમાં પારદર્શકપણે નોકરીઓ આપવાની શરૂઆત કરાશે, તેવી જાહેરાત કરાઈ હતી.
 
આ સિવાય અરવિંદ કેજરીવાલે સમાજના અન્ય વર્ગોની સમસ્યાઓને ધ્યાને રાખતાં વેપારીઓ અને આદિવાસી-વંચિત સમાજના લોકો માટે પણ મફત સ્વાસ્થ્ય, પારદર્શી વહીવટી તંત્રની સ્થાપના વગેરેની ગૅરંટી જાહેર કરી હતી.
 
નોંધનીય છે કે આગામી અમુક સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાની પ્રવૃત્તિઓ તેજ બનાવી દીધી છે. તેમજ પક્ષના નેતૃત્વે એવો પણ દાવો કર્યો છે કે ગુજરાતમાં આગામી ચૂંટણી ભાજપ અને આપ વચ્ચે થવા જઈ રહી છે. અને આપની જાહેરાતો અને તેને મળી રહેલ જનસમર્થનથી ભાજપ ચિંતાતુર છે.
 
આ પહેલાં શનિવારે જામનગર ખાતે વેપારીઓની એક સભા દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે તેઓ વેપારીઓ અને દુકાનદારો વિરુદ્ધ 'દરોડારાજ'નો અંત લાવશે.
 
નોંધનીય છે કે તેઓ બે દિવસની ગુજરાતની મુલાકાતે હતા, જે દરમિયાન તેમણે આ વાત કરી હતી.
 
આ સિવાય તેમણે સત્તાધારી ભાજપ 27 વર્ષના શાસન બાદ ઘમંડી થઈ ગયો હોવાની પણ વાત કરી.
 
ગુજરાતમાં આગામી આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્યમાં આપનું ટોચનું નેતૃત્વ અને કાર્યકર્તાએ સંપૂર્ણ જોર લગાવીને કામ કરવાનું શરૂ કરી દીધું છે.