8 નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઊજવવાની છે. વિપક્ષ દેશભરમાં ૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઊજવવાની યોજના બનાવી રહ્યો છે. આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં આજે કહ્યું કે દેશની જનતાને નોટબંધી અને જીએસટીના કારણે જે સમસ્યા થઇ છે, તેઓ એ સમજી શકતા નથી. ગાંધીએ આજે પાર્ટી મુખ્યાલયમાં નોટબંધીને લઇને કોંગ્રેસ મહાસચિવોની એક બેઠકને સંબોધિત કરી હતી અને જીએસટીને લઇને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ અને પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલની સાથે એક બેઠકમાં ભાગ લીધો.
નોટબંધીને મોટા આંચકા સમાન ગણાવતા રાહુલ ગાંધીએ જણાવ્યંુ હતું કે, દેશ માટે આઠમી નવેમ્બર ‘દુઃખનો દિવસ’ હશે. તેઓ આઠમી નવેમ્બરના દિવસને કાળા દિવસ ઉજવવા જઇ રહ્યા છે પરંતુ તેઓ સામાન્ય લોકોએ શું તકલીફો થઈ છે તે સમજી શકતા નથી. નોટબંધી ચક્રવાતી તોફાનની જેમ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર 2016 ના રોજ 1000 અને 500 રૂપિયાની નોટોને પરત ખેંચવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસે 8 નવેમ્બરના દિવસે દેશવ્યાપી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે આને કાળો દિવસ તરીકે મનાવવા વિરોધ પક્ષો પણ કોંગ્રેસની સાથે છે. આ પહેલાં રાહુલ ગાંધીએ નોટબંધીના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે શું યોજના બનાવવી તે માટે પક્ષના મહાસચિવો અને રાજ્યોના ઇન્ચાર્જ સાથે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠકો યોજી હતી. જીએસટી અંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં એક અલગ બેઠક પણ યોજાઇ હતી. રાહુલ ગાંધીએ જણાવ્યંુ હતું કે, નોટબંધી અને જીએસટીએ અર્થતંત્ર પર જે નકારાત્મક અસર ઊભી કરી છે તે અંગે અમે ચર્ચા કરી હતી. જીએસટી અંગે રાહુલે જણાવ્યું કે, તે સારો વિચાર હતો જેને સરકારે ઉતાવળમાં વેરવિખેર કરી નાંખ્યો છે.