ચૂંટણીનો ધમધમાટ અને મોદીને બ્રાન્ડ બનાવવાના પ્રયાસો શરૂ, હવે મોદીની ગુજરાત મુલાકાતો વધશે

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (12:04 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની તડામાર તૈયારીઓ ભાજપાએ શરૂ કરી દીધી છે તેવું સૂત્રોનું કહેવું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહરાજ્યમાં છેલ્લા 10 મહિનામાં 10થી વધુ વખત મુલાકાત લઇ ચૂકયા છે. સૂત્રોનું તો એમ પણ કહેવું છે કે આગામી મે મહિનાથી જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી દર મહિને વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લેશે. સરકારના ઉચ્ચ સૂત્રોના જણાવ્યાનુસાર આગામી 21 અને 22મી મેના રોજ પીએમ મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાતમાં તેઓ ગાંધીનગર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્કની મીટિંગમાં ભાગ લેશે ત્યારબાદ રાજકોટ ખાતે સૌની યોજનાના ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અન્ય બીજા કેટલાક કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી શક્યતાઓ વહેતી થઇ છે.

જૂન મહિનામાં પણ પીએમ મોદી ફરી એકવાર ગાંધીનગર ખાતે આવશે. આ મુલાકાતમાં તેઓ નેશનલ ટેક્સટાઇલ મીટિંગમાં ભાગ લેશે. તેમજ ભારત-રશિયાના રાજદ્વારી સંબંધોની ઉજવણીમાં પણ ભાગ લેશે. જૂન મહિનામાં બીજા પણ કેટલાક જાહરે કાર્યક્રમો અને રોડ શો યોજાવાનો પ્લાન થઈ રહ્યો છે. ત્યારબાદ જૂલાઈ મહિનામાં પણ પીએમ મોદી સાબરમતી આશ્રમની સ્થાપનાના શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં ભાગ લેવા ફરી ગુજરાત આવશે. ત્યારબાદ ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમના ગેટ ક્લોઝિંગ તથા ડેમની કામગીરી પૂર્ણ થયાની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા આવશે. આ દરમ્યાન તેઓ નર્મદા ડેમ સાઇટ ખાતે આદિવાસી યુનિવર્સિટીનું ખાતમૂહુર્ત પણ કરશે. જ્યારે સપ્ટેમ્બરમાં PM મોદી પોતાના વતન વડનગરની મુલાકાતે આવવાના છે. અહીં તેઓ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી મહેસાણા ખાતે વિશાળ રેલીને પણ સંબોધિત કરશે. સૂત્રોએ કહ્યું કે રાજ્ય સરકાર અને ભાજપ આગામી દિવસોમાં બીજા પણ અનેક કાર્યક્રમ પીએમ મોદીની આ મુલાકાત સાથે જોડવા માંગે છે. જેથી આગામી વિધાનસભા ચૂંટણી-2017માં 150ના લક્ષ્યને પાર કરી શકાય.
Next Article