ગુજરાતની પ્રજા વંશવાદને નહીં પણ વિકાસને સમર્થન આપશે: અમિત શાહ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (13:01 IST)
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધીને આડે હાથ લઈ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને પહેલા તમે કેન્દ્રની કૉંગ્રેસની ૧૦ વર્ષની સરકારનો હિસાબ આપો. આ ચૂંટણીએ ભાજપના વિકાસવાદ માટે કૉંગ્રેસમાં વંશવાદ -જાતિવાદ વચ્ચેની ચૂંટણી હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ભાવનગર આવ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના ઉમેદવારના સમર્થનમાં ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી વિરાટ સભામાં બોલતા અમિત શાહે ગુજરાતની જનતાને ૧પ૦ બેઠકો આપી નરેન્દ્ર મોદીના વિકાસ કામોને સમર્થન આપવા હાકલ કરી હતી.

રાષ્ટ્રીય પ્રમુખે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી. રાહુલ ગાંધીએ ગુજરાત એક પર્યટક સ્થળ હોય તેમ ત્રણ-ત્રણ દિવસે ગુજરાત આવે છે અને માત્ર વડા પ્રધાન મોદી વિરુદ્ધ પ્રચાર કરે છે. રાહુલ ગાંધીને ખુલ્લા મેસેજ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે તમો ગુજરાતમાં ભલે આવો, પરંતુ ૧૦ વર્ષ કૉંગ્રેસ (યુ.પી.ઓ.)ની કેન્દ્ર સરકારે ગુજરાતને શું આપ્યુ ? તેનો હિસાબ તો આપો. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાતને જે લાભો આપ્યા છે તે અંગે વિસ્તૃત માહિતી આપી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત ભાજપ વિકાસને મુદ્દો બનાવે છે. જ્યારે કૉંગ્રેસ વંશવાદ અને જાતિવાદને પ્રોત્સાહન આપે છે. વિધાનસભાની ચૂંટણીમાં અગાઉની જેમ જ ભાજપને પ્રચંડ સમર્થન આપવા અમિત શાહે ભાવનગર ખાતેથી રાજ્યની જનતાને અપીલ કરી હતી. દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સામે છેલ્લા કેટલાય સમયથી ચાલતું કારડિયા રાજપૂત સમાજનું આંદોલન અમિતભાઈ શાહની મધ્યસ્થીથી સમેટાઈ ગયુ હતું અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ પણ જીતુ વાઘાણી અને ભાજપના સમર્થનમાં લાગી જવા જણાવ્યું હતું. ભાવનગરમાં સભા પહેલા વિશાળ રોડ-શો યોજાયો હતો. ભાવનગરનો રોડ શો અને ભવ્ય સભાથી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ભાવનગરનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article