ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, પદ્માવત ફિલ્મનું ગુજરાત કનેક્શન

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (15:34 IST)
પદ્માવતિ-ખિલજીની ફિલ્મ પરનો પ્રતિબંધ હાલ સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. પરંતુ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા 'કરણ ઘેલો'માં ખિલજીએ ગુજરાત પર કરેલા આક્રમણની જ કથા રજૂ કરવામાં આવી છે. પદ્માવત ફિલ્મ સામેના વિવિધ વાંધા પૈકીનો એક વાંધો ખિલજીને હિરો તરીકે રજૂ કરવા સામે છે. ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, એટલે તેની પરાક્રમ કથા રજૂ કરવામાં હાલ તો સંજય લીલાને જ મુશ્કેલી પડી રહી છે.

ફિલ્મમાં તો જે હોય એ ખરું પણ નવલકથા કરણ ઘેલોમાં ખિલજીના ગુજરાત પરના આક્રમણની વાર્તા છે. કરણ ઘેલો ૧૮૬૬માં લખાયેલી ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા તરીકેની ઓળખ ધરાવે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૃ કરેલી 'વાંચે ગુજરાત' યોજનામાં પણ આ પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ વખતે કોઈને તેનો વિરોધ કરવાનું યાદ આવ્યું ન હતું. ગુજરાત સરકારે જોકે ત્યારે કરણ ઘેલો કથાનું યોગ્ય સન્માન કર્યું હતું કેમ કે ગુજરાતી ભાષાની એ પ્રથમ નવલકથા છે અને માટે ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન અમર છે. વાર્તાની શરૃઆત આવી રીતે થાય છે ઃ

'એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગૂજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦૨ એટલે ઈસવી સન ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહ વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજાનો હુકમ જાહેર થયો. જ્યોતિષવિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓને બોલાવીને પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રગટ કીધું કે ઈસવી સન ૧૨૯૭માં તેનગરનો નાશ થશે. ' આ રીતે શરૃ થતી વાર્તામાં ઘણા પ્રસંગોકાલ્પનિક તો ઘણા સાચા છે. આજની નવલકથા કરતાં તેની ભાષા અને રજૂઆત ઘણી અલગ છે, પરંતુ એ સમય દોઢ સદી પહેલાનો હતો. વાર્તામાં ખિલજીના આક્રમણનો જે સમય દર્શાવ્યો છે એ ગાળામાં જ ઈતિહાસ પ્રમાણે ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. ગુજરાતના ઘણા પ્રદેશ પર કબજો મેળવ્યો હતો અને ખાસ તો હિન્દુ ધર્મસ્થાનોને ધ્વંસ કર્યા હતા.

પુસ્તકમાં લખ્યું છે ઃ 'અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે.' એ પરિચય આજે ૮૦૦ વર્ષ પછી પણ સાચો છે. આ વાર્તાનો અંત રાજા કરણના મોત સાથે આવ્યો હતો. એ પછી ગુજરાતમાં એક પછી એક ઘણા મુસ્લીમ આક્રમણો આવ્યા એ વાત પણ ઐતિહાસિક દૃષ્ટિએ ખોટી નથી. વર્ષો પછી ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ધૂમકેતુએ પણ ૧૯૫૨માં 'રાય કરણ ઘેલો' નામની ઐતિહાસિક નવલકથા લખી હતી. તેમાં પણ કરણ અને ખિલજીના જંગની વાત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article