#BycottChhapak - શું દીપિકા પાદુકોણની 'છપાક'માં ઍસિડ ઍટેક કરનારનો ધર્મ બદલાયો?

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (11:29 IST)
બોલીવૂડનાં અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુ કૅમ્પસ પર થયેલા હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણનો અને તેમની 'છપાક' ફિલ્મનો બહિષ્કાર કરવાનો ટ્રૅન્ડ ચાલી રહ્યો છે. તો વળી અનેક લોકોએ દીપિકાનું સમર્થન પણ કર્યું છે.
 
ટ્વિટર પર #UnitedHindu #NameItLikeBollywood #boycottchhapaak તો ટ્રૅન્ડ થયા જ પણ એની સાથે જ છપાક ફિલ્મની વાર્તામાં આરોપી મુસ્લિમ પાત્રનું નામ છુપાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
 
છપાક ફિલ્મની કહાણી ઍસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. અનેક લોકોએ દીપિકા પાદુકોણ અને ફિલ્મ બનાવનારા પર વાસ્તવિક ઘટનાના આરોપી નદીમ ખાનનું નામ ફિલ્મમાં રાજેશ કરી નાખવાનો આરોપ મૂક્યો છે.
 
જોતજોતામાં #NadeemKhan અને #Rajesh પણ ટ્રૅન્ડ થયા. તો ભાજપના સાંસદ અને ગાયક બાબુલ સુપ્રિયોએ પણ ટ્વીટ કર્યું છે.
 
બુધવારે સાંજે 4 વાગ્યા સુધી નદીમ ખાન ટ્રૅન્ડ પર આશરે 60,000 હજાર અને રાજેશ ટ્રૅન્ડ પર 50,000 જેટલાં ટ્વીટ થયાં. ઍસિડ ઍટેકનો ભોગ બનનારાં લક્ષ્મી અગ્રવાલે પાત્રનો ધર્મ બદલવા અંગે વાંધો કેમ ન ઉઠાવ્યો તેવો સવાલ પણ અનેક લોકોએ કર્યો. 
 
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ એક મૅગેઝિને ઍસિડ હુમલાના મુસ્લિમ આરોપીનું નામ બદલીને ફિલ્મમાં હિંદુ કરવામાં આવ્યું હોવાનો અહેવાલ છાપતાં મામલો ચગ્યો હોવાનું કહ્યું છે.
 
બુધવારે સ્વરાજ્ય નામના મૅગેઝિને લેખ લખ્યો કે બોલીવૂડની રીત - દીપિકા પાદુકોણની છપાક ફિલ્મમાં ઍસિડ હુમલો કરનાર નદીમ ખાન રાજેશ બની ગયા.
 
ઉલ્લેખનીય છે કે લક્ષ્મી પર 2005માં દિલ્હીના ખાન માર્કેટમાં ઍસિડ હુમલો થયો હતો અને તે કેસમાં નદીમ ખાન સહિત અન્ય ત્રણ લોકો સામેલ હતા. તે સમયે લક્ષ્મી 15 વર્ષનાં હતાં. ફિલ્મ તેમના જીવન ઉપર આધારિત છે, પરંતુ તેમાં પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં છે.
 
ફિલ્મમાં લક્ષ્મીનાં પાત્રનું નામ માલતી છે અને આરોપીનું નામ બબ્બુ ઉર્ફે બશીર ખાન છે.
 
ફિલ્મ જોનાર સમીક્ષકને ટાંકતાં લલનટૉપ લખે છે, "રાજેશ એ માલતીના બૉયફ્રૅન્ડ જેવા છે, બંનેના સંબંધથી વ્યથિત થઈને પાડોશી યુવક તેની ઉપર ઍસિડ ફેંકે છે."
 
"આ આરોપીનું નામ બશીર ખાન છે."
 
ટ્વિટર ટ્રૅન્ડમાં 'નદીમ ખાન'ને 'રાજેશ' તરીકે રજૂ કરીને ધર્મ બદલવાની ચર્ચા છેડાઈ છે, પરંતુ તેમ થયું હોય એવું જણાતું નથી. શુક્રવારે ફિલ્મ રજૂ થશે એટલે તેની ઉપરથી 'ઔપચારિક રીતે' પડદો ઊઠી જશે.

સંબંધિત સમાચાર

Next Article