શું બોલિવુડની ફિલ્મો રાજકીય અખાડો બની રહી છે?

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2019 (15:05 IST)
છેલ્લાં પાંચ વર્ષોમાં તમે ભારતના રાજકારણમાં ઘણા ફેરફાર થતા જોયા હશે. અભિનેતા અને નેતા વચ્ચેનો સંબંધ છે વર્ષો જૂનો છે. બસ તફાવત માત્ર એટલો છે કે પહેલાં અભિનેતા અભિનય કરી નામ કમાવ્યા બાદ રાજકારણ સાથે જોડાતા હતા અને હવે અભિનેતા નેતાઓની બાયૉપિક ફિલ્મો થકી મોટા પડદા પર રાજકારણ કરતા જોવા મળે છે. 2018માં એવી ઘણી ફિલ્મો આવી કે જે કોઈ મોટા રાજનેતાની બાયૉપિકનો ભાગ રહી.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ચમકાવતી એક બાદ એક ફિલ્મો રિલીઝ થઈ, પછી તે 2018માં આવેલી 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક' હોય કે પછી હાલ રિલીઝ થયેલી રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર' હોય. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ફિલ્મનું નામ છે 'પીએમ નરેન્દ્ર મોદી'.
આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા અભિનેતા વિવેક ઓબેરૉય નિભાવી રહ્યા છે.
 
ફિલ્મની રિલીઝ ડેટ પહેલાં 12 એપ્રિલ રાખવામાં આવી હતી, પરંતુ હવે ફિલ્મને 5 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે. આ રીતે ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મને પહેલાં રિલીઝ કરવાના ઘણા મતલબ કાઢવામાં આવે છે. જોકે, ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે આવું તેમણે પબ્લિક ડિમાન્ડ પર કર્યું છે. સંદીપ સિંહ ફિલ્મના નિર્માતા અને ક્રિએટિવ ડાયરેક્ટર છે અને તેમણે જ ફિલ્મની કહાણી પણ લખી છે.
 
તેમણે હાલ જ ફિલ્મના ટ્રેલર લૉન્ચના દિવસે કહ્યું હતું, "અમે આ ફિલ્મની સાર્વજનિક માગને ધ્યાનમાં રાખીને તેને એક અઠવાડિયા પહેલાં રિલીઝ કરી રહ્યા છીએ. લોકો વચ્ચે તેને લઈને ખૂબ પ્રેમ અને આશા છે અને અમે ઇચ્છતા નથી કે તેઓ લાંબા સમય સુધી રાહ જુએ."
 
'પીએમ નરેન્દ્ર મોદી'માં શરુઆતથી લઈને ભારતના વડા પ્રધાન બનવા સુધીના નરેન્દ્ર મોદીના પ્રવાસને બતાવવામાં આવ્યો છે.
 
શું આ ફિલ્મ પ્રૉપેગૅન્ડા ફિલ્મ છે? આ સવાલ પર નિર્માતા સંદીપ સિંહ કહે છે, "અમે ફિલ્મમેકર છીએ અને તમે ટ્રેલર જોઈ ચૂક્યા છો અને જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમે નક્કી કરશો કે આ પ્રૉપેગૅન્ડા ફિલ્મ નથી."
 
તેમણે કહ્યું, "અમે અમારું કામ કરી રહ્યા છીએ. અમારે જાણવું નથી કે કોણ શું બોલી રહ્યું છે. કોને શું ફરિયાદ છે. આ એક સત્યકથા છે જે અમે દર્શકો સુધી પહોંચાડવા માગીએ છીએ. અમે અમારું કામ કરી રહ્યા છીએ અને તેનો વિરોધ કરીને બીજી પાર્ટીના નેતાઓ પોતાનું કામ કરી રહ્યા છે." પરંતુ જાણીતા વરિષ્ઠ પત્રકાર અજય બ્રહ્માત્મજ કહે છે, "આ પ્રૉપેગૅન્ડા ફિલ્મોને જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. અત્યારે જે લોકો સત્તામાં છે તે સત્તારુઢ પાર્ટી છે. તે ફિલ્મોને પોતાના હીતમાં વાપરે છે અથવા તો એમ કહીએ કે ઉપયોગ કરવાનું જાણે છે અને આ ફિલ્મોનું પ્લાનિંગ આજથી નહીં, સત્તામાં આવ્યા બાદથી જ હતું."
 
"તેમણે પોતાની લૉબી પહેલાંથી આંતરિક રીતે તૈયાર કરી લીધી હતી. પાર્ટી સાથે જોડાયેલા કેટલાક ફિલ્મમેકર છે કે જેઓ વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે જો તમે રાષ્ટ્રવાદની વાત કરશો કે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને વિષયો પર ફિલ્મ બનાવશો અથવા તેમની વાતો કરશો તો એ તમારા માટે સારું રહેશે અને આવું જ થયું. કેટલાક લોકોએ આ વાતો પર અમલ પણ કર્યો."
 
"આવું કરવું મારા મતે ખોટું નથી. તેને અપરાધની જેમ જોવું ખોટું હશે કેમ કે સત્તામાં રહેવાની ઇચ્છા તમામ રાખશે અને ફિલ્મ કલાકાર પણ એવું ઇચ્છે છે. ફિલ્મમેકર્સ પણ તેમના સમર્થનમાં ફિલ્મ બનાવી રહ્યા છે અને જો કાલે કૉંગ્રેસ પાર્ટી કે બીજી કોઈ પાર્ટી સત્તામાં આવી તો તેઓ પછી તેને સમર્થન આપવા લાગશે."
 
બ્રહ્માત્મજ કહે છે, "આજે બાયૉપિક ફિલ્મોનો જમાનો છે. બાયૉપિક ફિલ્મો આજકાલ ફૅશનમાં છે. આજના દર્શક આવતીકાલના મતદાતા બનશે અને બાયૉપિક ફિલ્મો હંમેશાં પ્રભાવિત કરતી હોય છે. આ ફિલ્મો ત્રણ લોકો પર બને છે, સૈનિક, ખેલાડી અને રાજનેતા."
 
તેઓ પૂછે છે, "શું ક્યારેય કોઈ સમાજસેવક પર ફિલ્મ બની છે? કોઈએ બાબા આંબેડકર પર બાયૉપિક બનાવવાની ઘોષણા કરી છે? જવાબ છે ના. કેમ કે, તેમના વિચારો પર કોઈ ફિલ્મ બનાવવા માગતા નથી અને બાયૉપિક ફિલ્મો માટે ખૂબ ડ્રામાની જરુર હોય છે."
 
તેઓ કહે છે, "ડ્રામા ક્રિએટ કરવામાં આવે છે, હાર બાદ જીત બતાવવામાં આવે છે પછી તે 'ઠાકરે' હોય કે 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' કે 'ઉરી' કે પછી 'પીએમ મોદી'. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'ઉરી' ફિલ્મનો 'હાઉ ઇઝ ધ જોશ' ડાયલૉગ બોલતા જોવા મળે છે."
 
તેઓ કહે છે, "આજ દિન સુધી કોઈ વડા પ્રધાને કોઈ ફિલ્મનો સંવાદ બોલ્યો છે?"
 
અજય બ્રહ્માત્મજ કહે છે કે નેશનલિઝમ પર ફિલ્મો આજથી નહીં સ્વતંત્રતાના સમયથી બનતી આવી રહી છે. 'ગાંધી'થી માંડીને 'પૂરબ ઔર પશ્ચિમ', 'નયા દૌર' જેવી ઘણી ફિલ્મો બની જે ભારતના વિકાસ અને તેની વિચારધારા પર વાત કરતી હતી. પરંતુ આજનો દૃષ્ટિકોણ માત્ર એક પાર્ટી માટે બની ગયો છે.
 
જાણીતા નિર્દેશક અને નિર્માતાએ એક સમયે 'માય નેમ ઇઝ ખાન' જેવી ફિલ્મ બનાવી હતી અને આજે તેઓ 'કેસરી' પણ બનાવી રહ્યા છે. તે તેમના વિચાર નથી, વેપાર છે.
 
અજય બ્રહ્માત્મજ કહે છે કે 'પીએમ મોદી'ને જોઈને સ્પષ્ટપણે ખબર પડે છે. આ ફિલ્મનો સંવાદ છે 'દેશ ભક્તિ જ મારી શક્તિ છે' આ સંવાદ પોતે જ ખૂબ મોટો પ્રૉપેગૅન્ડા છે.
ફિલ્મ કાશ્મીરના મુદ્દાની વાત કરે છે, પાકિસ્તાનના મુદ્દાની વાત કરે છે પરંતુ વિકાસની વાત તો કરી જ રહી નથી.
 
ફિલ્મમાં વધુ એક સંવાદ છે 'તુમને હમારા બલિદાન દેખા હૈ... બદલા નહીં', આવા સંવાદ તો આપણી હિંદી ફિલ્મોના હીરો બોલે છે પરંતુ વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે તેઓ આવા સંવાદ બોલતા જોવા મળી રહ્યા છે તેને જોઈને ખબર પડે છે કે ફિલ્મનું સ્તર કેવું છે.
 
ફિલ્મનું પહેલું પોસ્ટર 3 જાન્યુઆરીના રોજ આવે છે અને એ જ દિવસે ફિલ્મની ઘોષણા થાય છે અને 3 મહિનાની અંદર આખી ફિલ્મ બની જાય છે.
 
તેઓ કહે છે, "હું જાણું છું કે ત્રણ મહિનામાં ફિલ્મ બનાવવી મોટી વાત નથી પરંતુ ફિલ્મ વિશે વિચારવાથી માંડીને બનાવવા સુધી ત્રણ મહિનાનો સમય ખૂબ ઓછો છે અને પછી તેને ઘણી ભાષાઓમાં રિલીઝ કરવાની છે. મને સારી રીતે યાદ છે કે આ ફિલ્મનું પોસ્ટર 23 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આટલું બધું ચૂંટણી પહેલાં કરવું એ વાત બધાને ખબર પડે છે અને પછી તેઓ કહે છે કે આ પ્રૉપેગૅન્ડા ફિલ્મ નથી."
 
જાણીતા બોલીવુડ ટ્રેડ ઍનાલિસ્ટ આમોદ મહેરાનું પણ એ જ કહેવું છે કે 'ઠાકરે', 'પીએમ નરેન્દ્ર મોદી' જેવી ફિલ્મો પ્રૉપેગૅન્ડા ફિલ્મો છે. તેઓ કહે છે, "ઠાકરે ફિલ્મ શિવસેનાએ જ બનાવી હતી. તેને રિલીઝ પણ તેમણે જ કરી હતી. શિવસેનાને આ ફિલ્મની મદદથી કેટલો ફાયદો થશે તે તો હું કહી શકતો નથી. હા, પરંતુ આ ફિલ્મને રિલીઝ કરી તેમનો જે ઉદ્દેશ હતો તે ચોક્કસ સફળ થયો."
 
'ઠાકરે'ની વિચારધારાને બતાવવામાં આવી અને તેમણે જે જણાવવું હતું કે તેમણે મરાઠી લોકો માટે ઘણું બધું કર્યું તેમાં તેઓ સફળ થયા. ફિલ્મે નવાઝના કારણે 25 કરોડ રૂપિયાની કમાણી પણ કરી.
 
તેઓ કહે છે, "એ જ રીતે 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પણ આવી જેણે 20 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ખૂબ મોટી કમાણી છે, નહીં તો અનુપમ ખેરને લીડ રોલમાં જોવા માટે 300-400 રૂપિયાની ટિકિટ લઈને કોણ જાય છે. પરંતુ ફિલ્મમાં વિવાદ હતો. લોકોમાં જાણવાની ઉત્સુકતા હતી એ માટે ફિલ્મે સારી કમાણી પણ કરી જેના પગલે ફિલ્મમેકરને ફાયદો થયો."
 
"હવે ફિલ્મ મોદી આવી રહી છે. મને ખબર નથી કે પીએમને તેનાથી કેટલો ફાયદો થશે કે નુકસાન થશે. પરંતુ હા, ફિલ્મ સાથે જોડાયેલા મેકર અને વિવેકના કરિયરને ચોક્કસ ફાયદો થશે. નહીં તો વિવેકને ફિલ્મો ક્યા મળી રહી હતી. જો ફિલ્મ ચાલી, તો વિવેકનું ફ્લૉપ કરિયર હિટ થઈ જશે."
આ સિલસિલો હજુ અહીં રોકાયો નથી. બાયૉપિકમાં ફિલ્મોની રેસમાં રામગોપાલ વર્માની ફિલ્મ 'લક્ષ્મી એનટીઆર' પણ છે. જેમાં વિદ્યા બાલન એનટીઆરનાં પત્નીની ભૂમિકામાં છે. આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થઈ ચૂકી છે. તેનો બીજો ભાગ જલદી રિલીઝ કરવામાં આવશે. 
 
અન્ય ફિલ્મોમાં 'કેસીઆર', 'તીસરી યાત્રા', જે વાય. એસ. રાજશેખર રેડ્ડીની બાયૉગ્રાફી છે, તેમાં મામૂટી મુખ્ય ભૂમિકામાં છે. ચોથી ચંદ્રબાબૂ નાયડૂના જીવન પર પણ ફિલ્મ બની રહી છે. આ લિસ્ટમાં તામિલનાડુનાં પૂર્વ મુખ્ય મંત્રી જયલલિતાનું નામ પણ સામેલ છે. કહેવામાં આવે છે કે જયલલિતાના જીવન પર પણ એક બાયૉપિક ફિલ્મ બનશે અને આ ફિલ્મમાં અભિનેત્રી કંગના રનૌત જયલલિતાની ભૂમિકા ભજવી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article