વિજય માલ્યાના કરજથી વધુ સંપત્તિ કબજે કરી છે : નરેન્દ્ર મોદી

શુક્રવાર, 29 માર્ચ 2019 (10:58 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે કાયદો કડક કર્યો તેથી દેશમાંથી નીરવ મોદી અને વિજય માલ્યા ભાગી ગયા. ભારતીય સમાચાર ચૅનલ રિપબ્લિક ભારતને આપેલા ઇંટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે મારી સરકાર બની અને દેશની આર્થિક સ્થિતિ મારી સામે આવી તો મારી પાસે બે વિકલ્પ હતા."
 
"પહેલો વિકલ્પ એ હતો કે હું લોકોને હકીકત જણાવું કે આ લોકોએ કેટલા પૈસા બનાવ્યા."
 
"બીજો વિકલ્પ હતો કે દેશહિતમાં સ્થિતિ સંભાળવાની કોશિશ કરું, બધું પાટા પર લાવું. મેં સ્વાર્થી રાજનીતિનો રસ્તો ન અપનાવ્યો."
 
"મેં એવું વિચાર્યું કે મોદીની બદનામી થતી હોય તો થઈ જાય. અમારાં પગલાંને કારણે આ લોકો દેશમાંથી ભાગ્યા."
 
"પછી અમે કાયદો બનાવ્યો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે."
 
વડા પ્રધાને કહ્યું, "અમે વિજય માલ્યાના દેવાથી વધુ સંપત્તિ જપ્ત કરી છે. માલ્યાનું દેવું તો 9 હજાર કરોડ હતું પણ અમારી સરકારે તો દુનિયાભરમાં તેમની 14 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે."
 
"પહેલાં લોકો ભાગતા હતા અને સરકાર નામ પણ કહેતી નહોતી. અમે તો કડક પગલાં લીધાં એટલે એમને ભાગવું પડ્યું છે."
 
 
પાકિસ્તાનના ટ્રૅપમાં ફસાવું નહોતું
 
વિપક્ષના લોકો અમારા ઇરાદા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. પરંતુ અભિનંદન પર વિપક્ષની રાજનીતિ ન ચાલી.
 
પાકિસ્તાનના વલણ અંગે તેમણે કહ્યું, "જ્યારે-જ્યારે આવી ઘટનાઓ થઈ છે, મેં પાકિસ્તાન સાથે વાત કરી છે. દર વખતે તેઓ કહે છે કે મદદ કરશે, પણ કશું જ થતું નથી. હવે મારે પાકિસ્તાનના ટ્રૅપમાં ફસાવું નથી."
 
"ભારતે પાકિસ્તાનને ઇંટરપોલ રેડ કૉર્નરના ભાગેડુઓની યાદી આપી છે. તમે તેમને સોંપતા કેમ નથી."
 
"તમે 26-11 પર કોઈ પગલાં લેતાં નથી. મારે પાકિસ્તાન સાથે કોઈ ઝઘડો નથી. પરંતુ મારી લડાઈ આતંકવાદ સામે છે."
 
"મેં ઇમરાન ખાન જીત્યા ત્યારે તેમને ફોન કરીને કહેલું કે આવો આતંકવાદ પર સાથે મળીને કામ કરીએ. હું પીએમ ઇમરાન ખાનને અપીલ કરુ છું કે આતંકવાદ છોડી દો, પછી ભલે અમારો ચહેરો પણ ન જુઓ."
 
ચોકીદાર પર બોલ્યા મોદી
 
 
વડા પ્રધાન મોદીએ પોતાના ચૂંટણી કૅમ્પેન 'હું પણ ચોકીદાર'અંગે કહ્યું, "હું ગુજરાતમાં સીએમ તરીકે રહ્યો પણ તમે મારા પરિવાર અને ચાવાળો હોવાની વાત નહીં સાંભળી હોય. જ્યારે મને પીએમ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યો ત્યારે લોકોએ મારા બાળપણ વિશે શોધવાનું શરૂ કર્યું."
 
"લોકોએ ઇનામ પણ જાહેર કર્યાં કે મોદીના હાથની ચા પીધી હોય તો આવો અમે આટલું ઇનામ આપીશું."
 
વડા પ્રધાને કહ્યું, "પછી જ્યારે તેને મુદ્દો બનાવવામાં આવ્યો ત્યારે મેં કીધું કે હા હું ચાવાળો છું. ચોકીદાર હું મારા પોતાના માટે બોલ્યો હતો."
 
"ચોકીદારનો મતલબ માત્ર ટોપી અને સીટી નથી, એ જુસ્સો લઈને હું ચાલું છું. જ્યારે આ અંગે અમર્યાદિત ભાષાનો ઉપયોગ થયો ત્યારે મેં વિચાર્યું કે લોકો મને જે વાત માટે ગાળો આપે છે, તે હું છું."
 
મોદીએ કહ્યું, "એક કૉંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે મોદી પાસે 250 જોડી કપડાં છે. એ દિવસે હું એક જાહેર સભામાં જઈ રહ્યો હતો."
 
"મેં લોકોનું સંબોધન કરતાં કહ્યું કે, હા હું એ વાત સ્વીકારુ છું. તમે સાંભળ્યું હશે કે લોકો ભ્રષ્ટાચાર કરે છે, તમે નક્કી કરો કે તમારે 250 કરોડના ગોટાળા કરનારો પીએમ જોઈએ છે કે 250 કપડાં વાળો."
 
"બધાં જ લોકો ઊભા થઈ ગયા અને તે દિવસથી કૉંગ્રેસના આક્ષેપ બંધ થઈ ગયા."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર