#ASAT : વડા પ્રધાન મોદીએ જેની જાહેરાત કરી તે ઍન્ટિ-સેટેલાઇટ હથિયાર વિશે પાંચ મુદ્દામાં જાણો

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (15:24 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જાહેરાત કરી હતી કે ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનાં પરીક્ષણ દ્વારા ભારતે અવકાશક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનૉલૉજી દ્વારા 'મિશન શક્તિ' હેઠળ અવકાશમાં 300 કિલોમીટર સ્થિત જીવંત ઉપગ્રહને ધ્વસ્ત કર્યો હતો.
 
ભારત સિવાય અમેરિકા, રશિયા અને ચીન આ ક્ષમતા ધરાવે છે.મોદીએ કહ્યું હતું કે ભારતે આ ક્ષમતા પોતાના ઉપગ્રહોની સુરક્ષા માટે હાંસલ કરી છે અને તેનાથી કોઈને નુકસાન પહોંચાડવાનો હેતુ નથી.
 
શું છે ASAT?
 
ઍન્ટિ-સેટેલાઇટ હથિયારોને A-SAT તરીકે ઓળખવામાં આવે છે. સૈન્ય બાબતો માટે દુશ્મન દેશ માટે ઉપયોગી સેટેલાઇટને તોડી પાડવા માટે આ પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
ચીને 2007માં, અમેરિકાએ 2008માં અને રશિયાએ 2013માં આ ક્ષમતા હાંસલ કરી હતી.
 
દુશ્મન દેશનો સેટેલાઇટ ધ્વસ્ત થઈ જાય એટલે સંચાર, સૈન્ય માહિતી, નેવિગેશન વગેરે બાબતોમાં તેની ક્ષમતા બાધિત થઈ જાય છે.
 
પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે ભારતે ખુદના સેટેલાઇટ્સની સુરક્ષા માટે આ ક્ષમતા વિકસાવી છે.
 
મિસાઇલ્સનો ઉપયોગ
વર્ષ મે-2018માં ડિફેન્સ રિસર્ચ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વડા એસ. ક્રિસ્ટોફરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારત ઍન્ટિ-સેટેલાઇટ હથિયાર વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે 'એક હજાર કિલોમીટર દૂર પ્રહાર કરી શકતી કોઈપણ બૅલેસ્ટિક મિસાઇલને એવી રીતે ડિઝાઇન કરી શકાય છે કે તે ઍન્ટિ-સેટેલાઇટ હથિયાર બની જાય.'
 
સેટેલાઇટ નક્કી કરવો
 
ઍન્ટિ-સેટેલાઇટ હથિયાર અવકાશમાં જઈને 'ટાર્ગેટ'ને શોધી ન શકે એટલે કયા સેટેલાઇટની ઉપર નિશાન સાધવાનું છે, તે અંગે અગાઉથી જ 'શક્ય એટલી ચોક્કસ માહિતી' હોવી જોઈએ. સામાન્ય રીતે આ પ્રકારના મિશન માટે 'બેલેસ્ટિક મિસાઇલ'નો ઉપયોગ કરવામાં આવે છે, જે બાદમાં તેનો માર્ગ બદલી ન શકે, એટલા માટે સેટેલાઇટના સ્થાન અંગે શક્ય એટલી ચોક્કસ માહિતી હોવી જોઈએ.
 
એક વખત સેટેલાઇટનું સ્થાન નક્કી થઈ જાય ત્યારે કઈ મિસાઇલનો ઉપયોગ કરવો તે નક્કી કરવામાં આવે છે.
 
સામાન્ય રીતે ઉપગ્રહો લૉ-અર્થ ઑર્બિટ (ભ્રમણકક્ષા)માં પ્રસ્થાપિત હોવાથી બૅલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
 
માહિતી કેવી રીતે મળે ?
ઉપગ્રહની ચોક્કસ સ્થિતિ અંગે જાણવા માટે રડારનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત કેટલા કિલોમીટર દૂર સુધીનું નિરીક્ષણ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા રડાર ધરાવે છે, તે ઔપચારિક રીતે સ્પષ્ટ નથી.
 
જોકે, અવકાશમાં ઉપગ્રહોને ટ્રૅક કરવા માટે 1400 કિલોમીટરની રેન્જ ધરાવતા રડારની જરૂર રહે છે.
 
ભારતનો બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ કાર્યક્રમ એક હજાર કિલોમીટર દૂરથી એક મીટરના દસમા ભાગની ચીજને નિશાન બનાવી શકે છે, જ્યારે ઉપગ્રહ સ્વાભાવિક રીતે આથી અનેક ગણા મોટા હોય છે.
 
કાટમાળની સમસ્યા
 
વડા પ્રધાન મોદીએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે 300 કિલોમીટર દૂરથી 'લાઇવ સેટેલાઇટ'ને તોડી પાડવામાં આવ્યો હતો અને સમગ્ર ઑપરેશન ત્રણ મિનિટમાં પાર પાડવામાં આવ્યું હતું.
 
એવું માનવામાં આવે છે કે મિસાઇલની ક્ષમતાને ચકાસવા માટે ભારતે પોતાનો જ ઉપગ્રહ ધ્વસ્ત કર્યો હશે. અગાઉ અમેરિકા અને ચીને પણ પોતાના જ નકામા થઈ ગયેલા ઉપગ્રહોને તોડી પાડ્યા હતા.
 
જોકે, આ પ્રકારની કાર્યવાહીને કારણે સેટેલાઇટનો જોખમી કાટમાળ અવકાશમાં તરતો થાય છે. એક સેટેલાઇટ તૂટતા લગભગ બેથી ત્રણ હજાર કૂરચાં હવામાં ઉડે છે.
 
ભારતીય સેના લાંબા સમયક્ષી 'અવકાશી સંપદા' (સ્પેસ ઍસેટ)ની સુરક્ષા માટે સ્પેસ કમાન્ડ સેન્ટરની માગ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article