Valentine's Day- શહેરના રેસ્ટોરંટ અને વિવિધ સ્થળોએ હાથમાં ફૂલ અને ગિફ્ટ લઈને નીકળતા યુવાનોની ભીડ. દરેક ગલીના નાકે આતુરતાપૂર્વક કોઈની રાહ જોતા છોકરા-છોકરીઓ. આ દ્રશ્ય હોય છે વેલેંટાઈનના દિવસે એટલે કે પ્રેમનો એકરાર કરવાના દિવસે....
આ દિવસે શહેરમાં જુદુ જ દ્રશ્ય જોવા મળે છે. વેલેંટાઈન દિવસ એટલે કે સામેવાળી વ્યક્તિ પ્રત્યે પોતાની પ્રેમની લાગણીને વ્યક્ત કરવાનો દિવસ. ખાસ કરીને યુવાનો આ દિવસની ખૂબ આતુરતાપુર્વક રાહ જોતા હોય છે.
યુવાનો માને છે કે આ દિવસે તમે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારા દિલની વાત કહી શકો છો. તો આવો આ વેલેંટાઈન દિવસનો થોડોક ઈતિહાસ પણ તમને જણાવી દઈએ. આ દિવસની શરૂઆત થઈ પ્રેમને ખાતર પોતાની બલિ ચઢાવનારા એક પાદરી સેંટ વેલેંટાઈનથી.
ઈ.સ. 269 રોમમાં રાજ કલોડીસનું શાસન ચાલતું હતું. તેને નવા નવા પ્રદેશો જીતવાની ખુબ જ આકાંક્ષા હતી કે તેથી તેણે દરેક યુવાનને લશ્કરમાં જોડાવવાની હાકલ કરી. પરંતુ પ્રેમી અને લગ્ન કરેલા યુવકો લશ્કરમાં જોડાતા નહોતા. તેથી તેણે લગ્નપ્રથા પર રોક લગાવી દિધી. રાજાના આ નિર્ણયથી રોમવાસીઓ પર તો જાણે આભ તુટી પડ્યું. રાજાના આ અત્યાચાર અને સમાજ વિરોઘી કાયદાઓને જોઈને વેલેન્ટાઈન નામના પાદરીનું હૃદય દ્રવી ઉઠ્યું.
તેણે રાજાના આ કાયદાની અવગણના કરીને બે દીલને એક કરવાનું કાર્ય ચાલુ રાખ્યું. ધીમે ધીમે વેલેન્ટાઈન પાસે લગ્નગ્રંથીથી જોડાવા માટે હજારો યુગલોની સંખ્યા આવવા માંડી અને લોકો તેમને પ્રેમીઓના દેવદુત સમજવા લાગ્યા. પરંતુ આ વાતની જાણ રાજાને થઈ ગઈ અને તેણે પાદરી જેલમાં ધકેલી દીધો.
એવું કહેવાય છે કે 14મી ફેબ્રુઆરી 270ના રોજ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો અને તેમને સેન્ટ પ્રેકસંડીસ ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવી દેવાયા. ત્યારથી પ્રેમીઓ આ પ્રેમના ફરીશ્તા વેલેન્ટાઈનના બલીદાનના માનમાં વેલેન્ટાઈન ડેની ઉજાવણી કરે છે.
પરંતુ આ પ્રેમના દિવસને આજના યુવાનોએ ફક્ત પ્રેમનો એકરાર કરવાનો દિવસ સુધી સીમિત કરી દીધો છે. આજના યુવાનોને માટે વેલેંટાઈન દિવસ એટલે કે માત્ર એવો દિવસ કે તેઓ ગિફ્ટ આપી શકે, અને લઈ શકે, અને અહીં-તહીં ફરી શકે.
એક બીજાને ભેટ આપીને યુવાનોની આ મિત્રતા કદાચ જ તેમના બીજા વેલેંટાઈન દિવસ સુધી ટકી શકતી હોય છે. તેમને કોઈ એકબીજા સાથે સાચો પ્રેમ નથી હોતો. બસ આજકાલ સ્ટેટસ ખાતર લોકો પાસે ગર્લફ્રેંડ કે બોયફ્રેંડ હોવા જરૂરી થઈ ગયાં છે જેથી તેઓ તેમને વેલેંટાઈનના દિવસે ભેટ આપી શકે કે સાથે ફરી શકે, બીજા વેલેંટાઈનના દિવસે તેમને બીજો સાથી મળી જાય છે. આ તે કેવો પ્રેમ ? જે એક વર્ષ પણ નથી ટકી શકતો તો એક જનમ કેવી રીતે ટકશે ?
આજના યુવાનોએ તો પ્રેમની પરિભાષાને જ બદલી નાખી છે અને આ દેન છે પાશ્ચાત્ય સંસ્કૃતિની. પરંતુ આપણે જ્યારે આજે તેને અપનાવી ચૂક્યા છે તો પછી કેમ તેને સાચા અર્થમાં કેમ ન અપનાવીએ? પ્રેમનો કોઈ જ વિરોધ નથી કરતું વિરોધ કરે છે પ્રેમ કરવાની રીતનો. તો પછી આવો આજે તમે પણ તમારા સાથીને તમારા સાચા પ્રેમ વિશે બતાવી દો... જે ફક્ત એક વર્ષ માટેનો નથી પણ છે જનમોજનમ માટેનો છે.