સિદ્ધપુર ગુજરાતનું એક એવું શહેર છે જેમાં ટોકનમાં તેની યાત્રા પુરી થઈ જાય છે. શહેરમાં રૂ. એકમાં જન્મ થાય છે, તો રૂ.5માં શહેરથી દૂર આવેલા સ્વયંભૂ શિવાલયના દર્શન થાય છે. તો રૂ. એકમાં ડાયાબિટીસથી લઇને કેન્સર સુધીની સારવાર મળે છે. તો રૂ.1થી લઇને યથાશક્તિ સુધી માની તર્પણવિધિ પણ થાય છે. વર્ષો પહેલાં દાનેશ્વરી કહેવાતા લક્ષ્મીચંદ સુંદરજીએ શહેરમાં પ્રસૂતિગૃહ, એલ.એસ. હાઇસ્કૂલ અને લાયબ્રેરીની સુવિધા ઊભી કરી હતી. જેમાં ટોકન ભાવમાં તમામ સુવિધા મળી રહી છે. મુક્તિધામમાં રૂ.1ના ટોકનથી અંતિમ સંસ્કાર થાય છે. તો સરકારી હોસ્પિટલ તેમજ કેન્સર હોસ્પિટલમાં રૂ.એકના ટોકનથી અત્યાધુનિક સારવાર મળે છે. બિંદુ સરોવરમાં પણ યજમાનને રૂ.એકથી લઇને યથાશક્તિ દક્ષિણામાં માતૃતર્પણ વિધિ કરાવાય છે. રામજીમંદિર ટ્રસ્ટ દ્રારા જનરલ હોસ્પિટલનાં દર્દીઓને વર્ષોથી નિ:શુલ્ક ભોજન અપાય છે. પાલિકા દ્રારા રૂ.2ના ટોકનથી 20 લિટર મીનરલ પીવાનું શુદ્ધ પાણી અપાય છે. ધારાસભ્ય બળવંતસિંહ દ્વારા જરૂરમંદોને ઘરે બેઠાં ટીફિનસેવા પૂરી પડાઇ રહી છે. સિનિયર સિટીજન દ્રારા રૂ.5માં શહેરમાં ગમે ત્યાં મુસાફરી કરતી રિક્ષા તેમજ ગાડીની સુવિધા ઊભી કરાઇ છે. ડો. જયનારાયણ વ્યાસના પ્રયત્ન થકી શહેરમાં અદ્યતન કેન્સર હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલમાં ટોકનથી અદ્યતન સારવાર તેમજ મફત દાંતનું ચોકઠું બનાવી આપવામાં આવે છે. જેથી સસ્તુ ભાડુ અને સિદ્ધપુરની જાત્રા કહેવત સાર્થક થઇ રહી છે. શહેરના યુવાનો રૂ.10માં ભોજન આપવાની તૈયારીમાં લાગી ગયા હોવાનું અશોકભાઇ એન્જિનિયરે જણાવ્યું હતું.