ગુજરાતમાં દર મહિને ૩૬૦૦થી વધુ લોકો મચ્છરજન્ય રોગની ઝપેટમાં આવે છે

Webdunia
શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (11:35 IST)
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના કેસના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જ રાજ્યમાંથી ૧.૨૪ લાખ લોકો મલેરિયા, ૪૦ હજાર લોકો ડેન્ગ્યુ જ્યારે ૪૦૫૦૦થી વધુ લોકો ચિકનગુનિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મહિને સરેરાશ ૩૬૨૨ લોકો મચ્છજન્ય રોગનો સામનો કરે છે. ૨૦ ઓગસ્ટે 'વિશ્વ મચ્છર દિવસ' છે ત્યારે મચ્છરજન્ય રોગનું વધતું જતું પ્રમાણ ચિંતા સમાન છે.મચ્છરજન્ય રોગથી રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૧ વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતમાં મલેરિયાના ૨૦૧૬માં ૪૪૭૮૬, ૨૦૧૭માં ૩૮૫૮૮, ૨૦૧૮માં ૨૨૧૧૪ અને ૨૦૧૯માં ૧૩૮૮૩ નવા કેસ સામે આવ્યા હતા.  આમ, મલેરિયાના કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી તબક્કાવાર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં ચઢાવ-ઉતાર રહ્યો છે. ડેન્ગ્યુના ૨૦૧૬માં ૮૦૨૮, ૨૦૧૭માં ૪૫૭૩, ૨૦૧૮માં ૭૫૭૯ જ્યારે ૨૦૧૯માં ૧૮૨૧૯ કેસ નોંધાયા હતા. બીજી તરફ ચિકનગુનિયાના કેસમાં હજુ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.ચિકનગુનિયાના ૨૦૧૬માં ૩૨૮૫ અને ૨૦૨૦માં ૮૧૨૦ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં મલેરિયા કરતાં ડેન્ગ્યુથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ૨૦૧૬થી જૂન ૨૦૨૧ સુધી મલેરિયાથી ૧૬ના જ્યારે ડેન્ગ્યુથી ૧૬ના મૃત્યુ થયા હતા. બાળકોમાં પણ મચ્છરજન્ય રોગના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ૧૫ વર્ષ સુધીના કુલ ૧૩ હજાર બાળકો મલેરિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં ૨૦૧૭માં ૭૬૨૯, ૨૦૧૮માં ૪૦૬૩, ૨૦૧૯માં ૨૪૭૫ અને ૨૦૨૦માં ૯૮૩ બાળકો મલેરિયાની ઝપેટમાં આવ્યા હતા.૨૦૧૬થી ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં મચ્છરજન્ય રોગમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૦માં મલેરિયાના ૪૭૭૭, ડેન્ગ્યુના ૧૫૬૪ નવા કેસ સામે આવ્યા હતા. આ અંગે ડોક્ટરે જણાવ્યું કે, 'કોરોનાએ પગપેસારો કર્યા બાદ હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. મોટાભાગના લોકો હવે સેનિટાઇઝેશન માટે પૂરતી તકેદારી રાખે છે. એડેસ એગેપ્ટિ નામની મચ્છરની પ્રજાતિઓ દિવસના સમયે જ ડંખે છે. ૨૦૨૦માં મોટાભાગના સમય દરમિયાન ઓફિસ, વ્યવસાય બંધ હતા એટલે મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. '

સંબંધિત સમાચાર

Next Article