લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં હવે સંભળાશે વડોદરાનો કલરવ...

શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (11:31 IST)
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે વડોદરા શહેરના રત્ન સમાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શહેરને વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધિ અપાવી રહ્યા છે. ત્યારે વડોદરાના નિવાસી યુવા અને તેજસ્વી કલરવ જોષીએ શહેરને ગૌરવપૂર્ણ ક્ષણ આપી છે. 
 
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટીમાંથી જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનમાં સ્નાતક થયેલા કલરવ જોષીને યુનાઈટડ કિંગડમની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (એલ.એસ.ઈ.) માં ઉચ્ચત્તર અભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે. 
 
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, યુનાઈટેડ કિંગડમમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે ક્ષેત્રમાં ત્રીજા ક્રમે આવે છે. તેમજ એલ.એસ.ઈ. નો મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ વિભાગ શિક્ષણ અને સંશોધન માટે વિશ્વનું અગ્રણી કેન્દ્ર છે. 
 
કલરવ જોષીને એલ.એસ.ઈ. માં એમએસસી મીડિયા, સંચાર અને વિકાસ વિષયનાઅભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે. તે આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર શહેરનો કદાચ બીજો વિદ્યાર્થી છે.
 
ઉપરાંત, એલ.એસ.ઈ. દ્વારા કલરવ જોષીને ૭૯૨૦ પાઉન્ડની સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે. આ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત તેમને ટ્યુશન ફીમાં ૭૯૨૦ પાઉન્ડની રાહત આપવામાં આવશે.
 
આ આનંદની ક્ષણે જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટી, એમ.એસ. યુનિવર્સિટીના ડીન ડૉ. નીતિ ચોપરાએ જણાવ્યું કે "હું કલરવ જોષીના LSE માં એડમિશનથી આનંદિત છું. તે અમારી પ્રથમ BJMC બેચમાંથી છે, અને તેથી વધારે સિદ્ધિ, ગૌરવ અને આનંદની લાગણી  અનુભવું છું! 
 
હું તેના ભવિષ્યના અભ્યાસની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું, અને મને ખાતરી છે કે ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને કૉમ્યૂનિકેશન અને એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડાના દૂત તરીકે વિશ્વની ક્ષિતિજ પર તેજસ્વી થઈને ચમકશે." વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે શહેરનું ગૌરવ વધારતી તથા વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રદાન કરતી આ ક્ષણ વડોદરા માટે આનંદના સમાચાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર