'કેન્સર' સાડા ત્રણ અક્ષરનો આ શબ્દ ભલભલાના દિમાગમાં થોડી ક્ષણો માટે પણ એક ચિંતા પેદા કરવા માટે સક્ષમ છે. પરંતુ એવા અનેક લોકો છે જેઓ મક્કમ મિજાજ-હકારાત્મક મનોબળથી કેન્સરને મા'ત આપી શકે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરના કેસમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થઇ રહ્યો છે અને 80 હજારથી વધુ કેન્સર સામે લડતા 'ફાઇટર' છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 4 ફેબુ્રઆરીની ઉજવણી 'વર્લ્ડ કેન્સર ડે' તરીકે કરવામાં આવશે ત્યારે કેન્સરના કેસનો આ વધતો જતો આંક ચિંતા સમાન ચોક્કસ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2000થી વિવિધ થીમ પરથી 4 ફેબુ્રઆરીની ઉજવણી 'વર્લ્ડ કેન્સર ડે' તરીકે કરવામાં આવે છે. 'વર્લ્ડ કેન્સર ડે' માટે વર્ષ 2016-2018ની થીમ 'વી કેન, આ કેન' હતી જ્યારે વર્ષ 2019-2021 માટે 'આઇ એમ, આઇ વીલ' ની થીમ છે. ભારતમાં કેન્સરના કેટલા દર્દીઓ છે તેના અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગત વર્ષે અહેવાલ જારી કરાયો હતો. જેના અનુસાર ભારતમાં વર્ષ 2016માં 14,51,417, વર્ષ 2017માં 15,17,426 અને વર્ષ 2018માં 15,86,571 કેન્સરના અંદાજીત દર્દીઓ હતા. હવે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં પ્રત્યેક વર્ષે કેન્સરના સરેરાશ 5 % કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2016માં 73551, વર્ષ 2017માં 77097 અને વર્ષ 2018માં 80820 કેન્સરના દર્દીઓ હતા. વર્ષ 2018 દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 2,70,053 કેન્સરના દર્દી નોંધાયા છે. વર્ષ 2018 પ્રમાણે કેન્સરના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર બીજા, પશ્ચિમ બંગાળ ત્રીજા, મધ્ય પ્રદેશ ચોથા, રાજસૃથાન પાંચમાં જ્યારે ગુજરાત આઠમાં સૃથાને છે. તબીબોના મતે ભારતીય મહિલાઓમાં સ્તન કેન્સર બાદ ગર્ભાશાયના કેન્સરના વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ભારતીય મહિલાઓમાં કેન્સર હોય તેમાંથી ગર્ભાશાયનું કેન્સર હોય તેનું પ્રમાણ 22.86% છે. ગુજરાતમાં ગર્ભાશયના કેન્સરના કેસ વર્ષ 2016માં 4810, વર્ષ 2017માં 4868 અને વર્ષ 2018માં 4928 નોંધાયા છે. બીજી તરફ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વર્ષ 2016માં 8001, વર્ષ 2017માં 8504 અને વર્ષ 2018માં 9039 નોંધાયું હતું. બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર બીજા, પશ્ચિમ બંગાળ ત્રીજા જ્યારે ગુજરાત આઠમાં સૃથાને છે. ગુજરાતમાં કેન્સર સામે મૃત્યુ દર 50 ટકા છે. ગુજરાતમાં વર્ષ 2017માં 77097ને કેન્સરનું નિદાન થયું હતું અને તેમાંથી 38983ના મૃત્યુ થયા હતા. પરંતુ તબીબોના મતે યોગ્ય સમયે નિદાન-યોગ્ય સારવારથી કેન્સરને મા'ત આપી શકાય છે. કેન્સરને હરાવવા માટે સૌપ્રથમ મનથી તેને પરાસ્ત કરવું પડે છે.