- રસ્તાની વચ્ચે પડેલા ખાડા અને રાહદારીને બચાવવા જતા અકસ્માત
- પુત્ર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો અને કૌટુંબિક બહેનના લગ્ન માટે આવ્યો હતો
- બાઈક સ્લિપ થતાં પાછળ આવતા ડમ્પરના ટાયર નીચે આવી ગયા
રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અજય શૈલેષભાઈ પરમાર અને પિતા શૈલેષભાઈ પરમારનું મોત નીપજ્યું છે. રસ્તાની વચ્ચે પડેલા ખાડા અને રાહદારીને બચાવવા જતા ટેન્કરના વ્હીલ પિતા-પુત્ર પર ફરી વળ્યા. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવને લઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા.મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા. મૃતક અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો. બુધવારે પિતરાઈ બહેનના લગ્ન છે, કાલે મંડપ મુહૂર્ત હતું. ખાડાના કારણે પિતા-પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૃતકના પિતરાઈ ભાઈ હિતેષ પરમારે જણાવ્યું હતું કે, બંને બાપ-દીકરો સવારે 8થી 9 વાગ્યાના ગાળામાં યાર્ડ નગર જતા હતા, જોકે બાઈક સ્લિપ થતાં પાછળ આવતા ડમ્પરના ટાયર નીચે આવી ગયા ને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દીકરો સુરત એલ.એન.ટી.માં નોકરી કરે છે. સુરતથી રાજકોટ કાકાની દીકરીના લગ્નમાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.