ઉપલેટામાં માતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પીવડાવી પોતે પણ પી લીધું, માતાનું મોત

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2024 (11:51 IST)
mother gave her 9-month-old daughter


-  અગમ્ય કારણોસર માતાએ 9 મહિનાની દિકરી સાથે પોતે પણ પીધુ એસિડ 
-  મહિલાનુ મોત બાળકીની હાલત ગંભીર 
-   આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી


રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે.આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું એ અંગે જાણવા મળ્યું નથી.

ફરિયાદી જગાભાઈ ગાંડાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે. અમે ખેતીકામ કરતા હતા. ત્યારે બપોરના 3 વાગ્યે મારી પત્ની મનિષાનો ફોન આવ્યો હતો અને મને વાત કરી કે, મેં એસિડ પી લીધું છે, તમે ઘરે આવો. આથી અમે ત્રણેય મારું બાઈક લઈ અમારા ઘરે આવ્યા હતા અને જોયું તો અમારા ઘરે રૂમમાં મારી પત્ની ગાદલા ઉપર આળોટતી હતી અને ઊલટીઓ કરતી હતી. તેમજ મારી દીકરી ધાર્મી પણ ઊલટીઓ કરતી હતી. તેમના મોઢા ઉપર ફીણ આવી ગયાં હતાં. આ બનાવ અંગે મારી પત્નીને પૂછતા તે બોલી શકતી નહોતી. જેથી મેં મારા મામા જગાભાઈ જાદવને ફોન કરી બનાવની જાણ કરી તેનું ફોરવ્હીલ લઈ આવવા જાણ કરતા તે આવી ગયા હતા. જેમાં મારી પત્ની તથા દીકરીને બેસાડી ઉપલેટા ખાનગી હોસ્પિટલ લઈ ગયાં હતાં.

વધુમાં જણાવ્યું હતું કે, જોકે, સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ ઘેલાભાઇ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે. હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોઇ તે સમય દરમિયાન પોતે જાતે એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ તો મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું.હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ અંગે આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article