Truck drivers' strikes and protests across the country
હિટ એન્ટ રનનાં નવા ઘડેલા કાયદાના વિરોધમાં ચાલી રહેલી ટ્રક ડ્રાઇવરોની હડતાળને પાછી ખેંચવાની અપીલ કેન્દ્ર સરકારે કરી છે.
ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસે મંગળવારે કહ્યું કે સરકારે અમને ભરોસો આપ્યો છે કે 'હિટ એન્ડ રન' કાયદા સાથે જોડાયેલી બાબતો વિશે તેમની સાથે વાત કરવામાં આવશે. આ સાથે જ ટ્રક ડ્રાઇવરોની પોતાની હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું, “ન્યાય સંહિતાની ધારા 106(2)માં દસ વર્ષની સજા અને દંડને લઇને વાહન ચાલકોની ચિંતાને ધ્યાનમાં લેવામાં આવી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસના સભ્યો સાથે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે."
સરકારે કહ્યું છે કે નવા કાયદા અને તેની જોગવાઈઓ હજુ લાગું નથી થયાં. આ ધારાને લાગુ કરતા પહેલા ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે. ત્યાર પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. અમે વાહન ચાલકોને અપીલ કરીએ છીએ કે તે પોતાના કામ પર પાછા ફરે.”
જોકે મંગળવારે રાતે જ્યારે હડતાળ પાછી ખેંચવાની અપીલની રસ્તા પર કોઈ અસર જોવા મળી નથી. પેટ્રોલ પંપ અને શાકભાજીની દુકાનો પર લોકોની ભીડ હતી.
પેટ્રોલ ડીલર્સની સંસ્થાઓ કહ્યું, “દરેક વ્યક્તિ પોતાની ગાડીની ટાંકી ફૂલ કરાવવા ઇચ્છતા હતા. લોકોને ભય છે કે હડતાળને કારણે પેટ્રોલ મળવાનું બંધ ન થઈ જાય.”
ગુજરાત સહિત પંજાબ, મધ્યપ્રદેશ અને દેશનાં ઘણાં રાજ્યોમાં કૉમર્શિયલ વાહનચાલકોનાં વિવિધ યુનિયનો દ્વારા હિટ ઍન્ડ રનનો કાયદો વધુ કડક બનાવવા મુદ્દે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
અહીં નોંધનીય છે કે કૉમર્શિયલ વાહનોમાં ટૅક્સી, ખાનગી બસો અને માલસામાનની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી ટ્રકો સામેલ છે.
આ હડતાળને કારણે ઘણાં રાજ્યોમાંથી પેટ્રોલ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો ખોરવાયાના સમાચાર આવી રહ્યા છે.
ટ્રક યુનિયનો અનુસાર આ હડતાળ 1 જાન્યુઆરીથી શરૂ થઈ છે, જેની આવનારા સમયમાં વધુ તીવ્ર અસર જોવા મળી શકે છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં 160 વર્ષથી વધુ પુરાણી ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ)ના સ્થાને સંસદમાં પસાર કરેલ નવા કાયદા ભારતીય ન્યાયસંહિતામાં કરેલી નવી જોગવાઈ પ્રમાણે જો વાહનચાલકની બેદરકારીપૂર્વકની ડ્રાઇવિંગને કારણે અકસ્માત થાય અને ચાલક તે અકસ્માત વિશે પોલીસ ઑફિસર કે મૅજિસ્ટ્રેટને જાણ કર્યા વગર ઘટનાસ્થળેથી નાસી છૂટે તો ચાલકને દંડ તથા દસ વર્ષની કેદ થઈ શકે છે.
જોકે, આ કાયદો હજી અમલમાં આવ્યો નથી.
આ જોગવાઈ વિરુદ્ધ ટ્રકચાલકો અને ડ્રાઇવરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં ટ્રક ડ્રાઇવરોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો હતો. ડ્રાઇવરોના પ્રદર્શનને કારણે રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી અને સામાન્ય લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.
સ્થાનિક મીડિયાના કેટલાક અહેવાલો અનુસાર ડ્રાઇવરોના પ્રદર્શનમાં કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ હતી.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશને એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે ભારતમાં રાષ્ટ્રીય કે સ્થાનિક કોઈ પણ ઍસોસિયેશને આ મુદ્દા અંગે ચક્કાજામ કે બંધનું એલાન કરેલ નથી.
સમગ્ર મુદ્દો અને ડ્રાઇવરોના પ્રશ્ન અંગે જાણવા બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી.
ટ્રક યુનિયનો શા માટે પ્રદર્શન કરી રહ્યાં છે?
ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસે 27 ડિસેમ્બર 2023ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ કાયદા અંગે લગતી ચિંતા વ્યક્ત કરી હતી.
આ પત્રમાં કહેવાયું હતું કે આ કાયદાઓ આ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો સાથે ચર્ચા કર્યા વિના લાવવામાં આવ્યા છે.
સંસ્થાએ કહ્યું કે ભારતમાં અકસ્માતોની તપાસની પ્રક્રિયામાં ઘણી ખામીઓ છે. આ કાયદા હિટ ઍન્ડ રન કેસમાં તપાસપ્રક્રિયાને ધ્યાને લેતા નથી.
સંસ્થાએ ઉમેર્યું કે ગુનો કેવી રીતે નક્કી કરવામાં આવશે, તેની સ્પષ્ટતા હોવી જોઈએ, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં કે જ્યાં ભૂલ નાના (અન્ય) વાહનના માલિકની હોય.
આ ઉપરાંત એવું પણ બની શકે છે કે સંપૂર્ણ તપાસ કર્યા વિના એવું માની લેવાય કે મોટાં વાહનની ભૂલ હશે.
સંગઠને તેના પત્રમાં વધુમાં લખ્યું છે કે સમગ્ર દેશમાં એવું વલણ જોવા મળે છે કે જેમાં કોઈ પણ માર્ગ અકસ્માતની ઘટનામાં મોટાં વાહન (ટ્રક-અન્ય) ને જવાબદાર ગણવામાં આવે છે.
પત્ર અનુસાર ઘણા કિસ્સામાં ડ્રાઇવર અકસ્માતની પોતાની જવાબદારીમાંથી બચવા માટે જ નહીં, પરંતુ ટોળા કે સ્થાનિક લોકોના ગુસ્સાથી પોતાનો જીવ બચાવવા માટે પણ ઘટનાસ્થળેથી ભાગી જાય છે. રસ્તાઓ પર સુરક્ષાના અભાવને કારણે તેમણે આવું કરવું પડે છે. તેમજ કેટલીક વાર ડ્રાઇવરો પોતાની જાતને પોલીસને સોંપી દે છે અને કોર્ટમાં હાજર થાય છે.
આ કાયદો લાગુ કરવાથી સમગ્ર દેશમાં પુરવઠાતંત્ર ખોરવાશે. સંગઠને માંગણી કરી હતી કે સરકારે આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશને પરિપત્રમાં ટ્રક ડ્રાઇવરોને સંબોધીને કેટલીક સ્પષ્ટતા કરી છે.
તેમાં લખ્યું છે કે, “આ કાયદો માત્ર ટ્રક ડ્રાઇવરોને જ નહીં, પરંતુ તમામ પ્રકારનાં વાહનચાલકોને લાગુ પડે છે. જેથી કોઈ પણ પ્રકારના અકસ્માતના કિસ્સામાં વાહનચાલકે નાસી ન છૂટીને નજીકના પોલીસ સ્ટેશન, કોર્ટ કે મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈ અકસ્માતની વિગત જણાવીને રક્ષણ મેળવવું. જેથી આ બનાવ હિટ ઍન્ડ રનની વ્યાખ્યામાં ન આવે અને નવી જોગવાઈ તેને લાગુ ન પડે. આ ઉપરાંત ઉપરોક્ત કાયદામાં કોઈ પણ જગ્યાએ દંડની રકમની ચોખવટ નથી અને સમાચારમાં જે પાંચ-સાત લાખના આંકડા આવી રહ્યા છે તેનો આધાર મળતો નથી.”
આ બાબતે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેએ કહ્યું, “આ હડતાળનો કોલ કોઈ પણ ટ્રક ઍસોસિયેશન દ્વારા આપવામાં નથી આવ્યો. અમે આ મુદ્દાના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર સાથે વાત કરી રહ્યા છીએ.”
ડ્રાઇવરોની સમજાવટ અંગે કરાયેલા ઍસોસિયેશનના પ્રયાસ અંગે પત્રમાં લખાયું છે કે, “અમે ડ્રાઇવરો સાથે પણ ચર્ચા કરીને તેમને કામ પર પાછા ફરવા માટે આગ્રહ કરી રહ્યા છીએ. અહીં એ વાત જાણવી જરૂરી છે કે આ કાયદો હજી અમલમાં આવ્યો નથી અને અમને વિશ્વાસ છે કે આ મુદ્દાનો સૌહાદપૂર્ણ ઉકેલ લાવવામાં આવશે.”
નવો કાયદો શું છે?
કેન્દ્ર સરકારે 163 વર્ષ જૂના ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ના સ્થાને નવો કાયદો લાવવા ભારતીય ન્યાયસંહિતા સંસદમાં પસાર કર્યો છે.
સત્તાવાર વેબસાઇટ અનુસાર આ કાયદો પસાર થવા પ્રસંગે સંસદમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “તેમણે હિટ ઍન્ડ રન કેસમાં સજા ઘટાડીને દસ વર્ષ કરી દીધી છે.”
નવા કાયદા અનુસાર જો વાહનચાલકની બેદરકારીપૂર્વકની ડ્રાઇવિંગને કારણે અકસ્માત થાય અને ચાલક તે અકસ્માત વિશે પોલીસ ઑફિસર કે મૅજિસ્ટ્રેટને જાણ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જશે તો ચાલકને દંડ તથા દસ વર્ષની કેદ થઈ શકે છે.
સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ લેખિત કાયદામાં ડ્રાઇવિંગમાં બેદરકારી માટેની જોગવાઈઓનો ઉલ્લેખ છે.
નવી જોગવાઈ અનુસાર જો ડ્રાઇવર બેદરકારીપૂર્વકની ડ્રાઇવિંગ વડે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે અને ઘટના અંગે પોલીસ અધિકારી કે મૅજિસ્ટ્રેટને જણાવ્યા વગર નાસી છૂટે તો તેને દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડ થઈ શકે છે.
હડતાળની સામાન્ય જનજીવન પર અસર
ભારતનાં કેટલાંક રાજ્યોમાં આ હડતાળની અસર પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં પડી રહી છે અને જો આ હડતાળ લાંબી ચાલશે તો રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેમ કે, લીલી શાકભાજી, દૂધ, ફળ વગેરેના ભાવ પણ વધવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી (એપીએમસી)ના ઇન્ચારર્જ સેક્રેટરી સંજય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત બહારથી આવતી શાકભાજી જેમ કે, વટાણા અને કોબીનો પુરવઠો ઓછો છે અને આગામી એક બે દિવસમાં તેના ભાવ વધી શકે છે.”
તેમણે હડતાળની અસરો અંગે વિગતવાર વાત કરતાં ઉમેર્યું કે, “અમને હડતાળની આગોતરી જાણ હોવાને લીધે અમે અમારો પુરવઠો ટકાવી રાખવા પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ય રાજ્યોમાં હડતાળને કારણે આયાત પણ બંધ છે. જોકે, આ હડતાળ લંબાશે તો અમને માલના આયાત અને નિકાસમાં તકલીફ પડશે અને લીલી શાકબાજી કે ફળો ખરાબ થઈ જવાની સ્થિતિમાં ખેડૂતોને નુકસાન પણ ભોગવવું પડે.”
આ વાત સાથે સહમત થતાં મહુવા એપીએમસીના ચૅરમૅન ઘનશ્યામભાઈ પટેલે કહ્યું, “યાર્ડમાં આજે લોડિંગ બંધ છે એટલે યાર્ડમાં પણ માલ પડ્યો રહેશે, પરંતુ એક-બે દિવસ સુધી અમારે કોઈ સમસ્યાઓ નહીં થાય. જો હડતાળ લંબાશે તો અમારે ડુંગળીની દિલ્હી, પંજાબ, આસામ અને અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં તકલીફ પડશે અને પરિણામે અમારે નુકસાન ભોગવવું પડશે.”