બે વર્ષની વાટ પછી રાજય સરકારને મુખ્યપ્રધાન અને અન્ય મહાનુભાવોને આકાશમાં વિહરવા માટે ટુંકમાં નવું વિમાન મેળવશે. બોમ્બાર્ડીયરની બનાવટનું રૂા.200 કરોડનું ચેલેન્જર 650 વિમાન બે સપ્તાહમાં આવી જશે. હાલમાં રાજય સરકાર સુપરકીંગ 200 ટર્બોપ્રો 5 વિમાનનો ઉપયોગ કરે છે. આ વિમાન 20 વર્ષથી સેવામાં છે. ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ ગુજસેઈલ વિમાનની ડિલીવરી લેશે. ચેલેન્જર 650 જેટની રેન્જ 7000 કીમીની છે. હાલના વિમાનની 1400 કીમીની રેન્જ કરતાં આ પાંચ ગણી છે. વળી, નવા વિમાનની કેપેસીટી 12 મુસાફરોની છે અને તે કલાકે 890 કિમીની ઝડપે ઉઠી શકે છે. હાલના વિમાનની ક્ષમતા 8 મુસાફરોની અને સ્પીડ 580 કીમીની છે. નવા વિમાનના કારણે સીએમ અને અન્ય મહાનુભાવો ચીન, મધ્યપુર્વના દેશો, જાપાન, સિંગાપુર અને રશિયાના અમુક ભાગો તથા ભારતમાં પણ લાંબા અંતર સુધી સીધા ઉડી શકશે, અને તે પણ ઓછા સમયમાં. હાલમાં લાંબા અંતરની મુસાફરી માટે ગુજરાત સરકાર કલાકના 1 લાખના ભાડાથી ખાનગી વિમાન ભાડે લે છે.