વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પહેલા દિવસે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ ગૌતમ અદાણીએ પોતાના સંબોધનમાં રાજ્યમાં અબજો રુપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેઓ 30,000 કરોડના રોકાણ સાથે કચ્છમાં સોલાર હાઈબ્રિડ પ્લાન્ટ સ્થાપશે.ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો સોલાર હાઈ-બ્રિડ પ્લાન્ટ હશે. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 55,000 કરોડ રુપિયાનું રોકાણ કરવાનું પણ અદાણી ગ્રુપનું આયોજન હોવાનું ગૌતમ અદાણીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ રોકાણથી ગુજરાતમાં 50 હજારથી વધુ નોકરીઓ સર્જાશે.રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ઈન્ડિયા ફર્સ્ટ તેનો ઉદ્દેશ છે, અને ઈન્ડિયામાં પણ ગુજરાત રિલાયન્સ માટે ફર્સ્ટ છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સે અત્યાર સુધી ગુજરાતમાં ત્રણ લાખ કરોડ જેટલું રોકાણ કર્યું છે, અને આગામી 10 વર્ષમાં ગુજરાતમાં રોકાણ બમણું કરાશે, તેમજ રોજગારીની તકોમાં પણ વધારો કરાશે.મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, કોઈ ચોક્કસ જગ્યાએ રોકાણ કરવાને બદલે રિલાયન્સ પોતાના નવા બિઝનેસ મોડેલ અનુસાર, સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ લોકેશન પર રોકાણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, છ કરોડ ગુજરાતીઓનું સપનું તે જ તેમનું સપનું છે. ગુજરાત આગામી સમયમાં માત્ર ભારત જ નહીં, સમગ્ર દેશ માટે મોડેલ બનશે.