ગુજરાત સરકારે 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કર્યું હતું. સમિટના આયોજન પાછળ સરકાર એક અંદાજ મુજબ 100 કરોડથી વધુનો ખર્ચ કરવાની હતી, જેમાંથી 90 કરોડ રૂપિયા ખર્ચ થઇ ગયો છે.
ગુજરાત સરકારના ખૂબ વિશ્વસનીય ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય તમામ આયોજન થઇ ગયાં બાદ લેવાયો હોવાથી સરકારને આ માટે કરાયેલાં ખર્ચનું કોઇ વળતર નહીં મળે. મહાત્મા મંદિરમાં લોજિસ્ટિક સપ્લાય, ડિઝાઇન અને એક્ઝિક્યુશન તથા સ્ટ્રેટેજિક વ્યવસ્થાપન માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો હતો તેનું ચૂકવણું સૌથી મોટુ 35 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે અને તે સરકારને આપવું પડશે.
વાઇબ્રન્ટ સમિટ માટે વિદેશથી આવનારા અતિથિઓના આદર સત્કાર માટે ગાંધીનગરની લીલા હોટેલ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની મળીને છ હોટલ સરકારે બુક કરાવી હતી અને તેમાં 400 રૂમ બુક કરાયાં હતાં, જેનું એડવાન્સ પેમેન્ટ કરી દેવાયું હતું.રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં વાઇબ્રન્ટ સમિટ ફરી યોજવાની શક્યતાઓ પાંખી છે. તેથી આ આયોજન હવે આવતાં વર્ષે જાન્યુઆરીમાં જ થશે. દર બે વર્ષે યોજાનારી આ સમિટ 2021માં યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે તે રદ્દ રહેતાં આ વર્ષે યોજવાની તૈયારી સરકારે કરી હતી. વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી હોવાથી સમિટ યોજી શકાય એમ નથી.ગુજરાત સરકારે સમિટ પહેલાં હેલ્થ, ફાર્મા, ટેક્સટાઇલ્સ, એન્જિ., એક્સપોર્ટ જેવા ક્ષેત્રો માટે પ્રિ-ઇવેન્ટ કરી હતી. જેના માટે 40 કરોડ જેટલો ખર્ચ થયો.
અત્યાર સુધીમાં ક્યાં કેટલો ખર્ચ થયો?
લોજિસ્ટિક ખર્ચ ઉપરાંત ભોજન અને અન્ય ખર્ચ - 40 કરોડ
અતિથિઓ માટે હોટલ બુકિંગ એડવાન્સ - 10 કરોડ
રોડ-શો સહિતની જાહેરાત અને પબ્લિસિટી - 25 કરોડ
ટ્રાન્સપોર્ટેશન માટે - 3.50 કરોડ (જો કે આ આપવાના રહેશે નહીં)
પ્રમોશન માટે દેશ-વિદેશમાં થયેલાં પ્રવાસો - 15 કરોડ