વડોદરા બાદ અમદાવાદમાં પણ 15 પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની આડઅસર, અસારવા સિવિલમાં સારવાર લીધી

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (15:57 IST)
હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં વેક્સિનની આડ અસર જોવા મળી રહી છે. આજે વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આડઅસરના થોડા સમયમાં જ અમદાવાદ શહેરમાં પણ 15 પોલીસ કર્મીને કોરોના વેક્સિનની આડ અસર થઈ હોવાની વાત સામે આવી છે. શહેરમાં બીજા તબક્કામાં વેક્સિન લેનાર 15 જેટલા પોલીસકર્મીઓને આડઅસર થઈ હતી. જેને પગલે 15 જેટલા પોલીસકર્મીઓ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. જે.પી મોદીએ જણાવ્યું હતું કે 15 જેટલા પોલીસકર્મીઓને સામાન્ય આડઅસર થઈ હતી. કોઈને ગંભીર આડઅસર જોવા મળી નથી. તાવ, માથું દુઃખવું તેમજ શરીર દુખાવાના સામાન્ય લક્ષણો હતા.
 
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂ કરવામાં આવી છે. જેમા પહેલા તબક્કામાં ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ તેમજ હેલ્થ વર્કરોનું રસીકરણ થયું હતું. ત્યારબાદ હવે 31 જાન્યુઆરીથી કલેક્ટર, DSP સહિત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિન લઈ રહ્યા છે. તેમજ મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે રસીકરણ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ વેક્સિન લીધી હતી.
 
શહેરના શાહીબાગના PI કે.ડી.જાડેજા અમદાવાદના પ્રથમ વેક્સિન લેનાર અધિકારી બન્યા હતા. જ્યારે મહિલા અધિકારીઓમાં પ્રથમ વેક્સિન લેનાર PSI પી.એસ. ચૌધરી છે. સાથે સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર, અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખર, ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડા, જોઈન્ટ સીપી અજય ચૌધરીએ પણ વેક્સિન લીધી હતી. તબક્કાવાર અનેક અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ કેન્દ્રો પર વેક્સિન લેશે.
 
ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, DDO અરુણ કુમાર, અમદાવાદ જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં ખાતે વેક્સિન લીધી હતી. 25000 જેટલા પોલીસકર્મી, કોર્પોરેશન, વહિવટીતંત્રમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મળી આશરે 3.5 લાખ કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article