કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે: અમિત શાહ

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (12:43 IST)
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,માટીની કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે.માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચા માટેની કુલડી સહિતના કપ સહિતના વિવિધ માટીના આર્ટિકલ ખરીદવાની વ્યવસ્થા કરીને મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં આવશે.   
 
કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે આજે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માટી કામ સાથે સંકળાયેલા ગાંધીનગર જિલ્લાના દરેક ગામના કારીગરો તથા સ્વ સહાય જૂથોને ઇલેક્ટ્રોનિક ચાકડા મળી રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરને સૂચના આપી હતી. સાથોસાથ માટીકામના વ્યવસાયથી વિમુખ થઈ ગયેલા પરિવારોને પુનઃ આ વ્યવસાય સાથે જોડીને પ્રદૂષણમુક્ત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આહ્વાન કર્યું હતું. 
 
મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટોલના લોકાર્પણના પ્રથમ દિવસથી આજે જ માટીની કુલડીઓના જથ્થાબંધ ઓર્ડર મળવાના શરૂ થયા હતા જેના ભાગરૂપે આજે પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી ૫,૦૦૦ માટીની કુલડીઓના ઓર્ડર ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટી-સ્ટોલની મહિલાઓને અર્પણ કર્યાં હતા.
 
મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી-સ્ટોલ પરથી માટીના કપમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ ચા-કોફીનો સ્વાદ પણ માણ્યો હતો. તે ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે મહિલા સ્વસહાય જૂથની બહેનો સાથે રેલવે સ્ટેશન ઉપર વાર્તાલાપ કર્યો હતો. સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઇલેક્ટ્રોનિક ચાકડા દ્વારા તૈયાર કરવામાં આવેલી માટીની કુલડીઓ તથા માટીના વાસણોની પ્રદર્શની ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી હતી.
 
ઉલ્લેખનીય છે કે આ ટી સ્ટોલ ઉપર માટીની કુલડીમાં ચા અપાશે. મહિલાઓના આર્થિક ઉત્થાન માટે કેપિટલ રેલવે સ્ટેશન ખાતે નાગેશ્વર સખી બચત મંડળ દ્વારા સંચાલિત ટી-સ્ટોલમાં ચા, તંદૂરી ચા, ગ્રીન ટી, કોફી, દૂધ અને ઉકાળા સહિત વિવિધ વેરાયટીની ચા - કોફીની ઉપલબ્ધતા યાત્રીઓ માટે થશે.
 
આ લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, રજનીભાઈ પટેલ, કોર્પોરેટરો, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથન,જિલ્લા કલેકટર કુલદીપ આર્ય, રેલવે પોલીસ ફોર્સના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપરાંત સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article