કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી આજે અમદાવાદ આવશે, નગરદેવીના દર્શન કરીને પક્ષના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરશે

શનિવાર, 9 ઑક્ટોબર 2021 (11:06 IST)
કોરોનાના કારણે રાજીવ સાતવના નિધન બાદ ખાલી પડેલા સ્થાને કોંગ્રેસ હાઇકમાન્ડે રાજસ્થાન ના આરોગ્ય મંત્રી રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી પદે નિયુક્તિ કરી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ સતત પરાજયનો સામનો કરી રહી છે. ત્યારે હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તન કરવાની શરૂઆત કરી દીધી છે.

નવા પ્રદેશ પ્રભારીની નિયુક્તિ બાદ હવે ટૂંક સમયમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા નામની પણ જાહેર થવાની શક્યતા છે. આજે પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અમદાવાદ આવશે અને તેમનો પદભાર સંભાળશે. નવા પ્રદેશ પ્રભારીના સ્વાગત નવી કોંગ્રેસે તૈયારીઓ પણ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત પ્રભારી રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્મા બે દિવસીય મુલાકાત દરમિયાન ધારાસભ્યોને મળીને પછી દિલ્હી જશે અને ત્યાંથી માર્ગદર્શન લીધા પછી પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા બદલવાની કવાયત હાથ ધરવી કે નહીં તે નક્કી થશે. રવિવારે ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા બદલવાની સેન્સ મેળવે તેવી શકયતા છે. પ્રદેશ પ્રભારી શર્મા આજે અમદાવાદ આવીને સીધા નગરની દેવી ભદ્રકાળીના દર્શન કરશે,આ પછી જગન્નાથ મંદિર દર્શન કરીને પ્રદેશ કાર્યાલય પહોંચશે. જયાં તેઓ સંગઠનના નેતાઓને મળશે. આ પછી તેમના આગમનમાં ગાંધીનગરમાં ધારાસભ્યો-પાર્ટીના ટોચના નેતાઓ સાથે ડીનર યોજાશે.રવિવારે ધારાસભ્યો સાથે બેઠક યોજશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર