ગુજરાતમાં કમોસમી વરસાદ, મોડી રાત્રે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી

Webdunia
મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (10:25 IST)
રાજ્યમાં એકતરફ ઠંડીએ પોતાનો મિજાજ બતાવ્યો છે તો બીજી તરફ સોમવારે મોડી રાત્રે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સોમવારે મોડીરાત્રે અને આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
 
બીજી તરફ  બનાસકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધાનેરા, થરાદ, વાવ વિસ્તારમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જો જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે તો રાયડો, જીરં, એરંડા જેવા પાકને નુકસાનીની ભીતી છે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાલે માવઠુ થઈ શકે છે. અમદાવાદમાં બુધવારથી ઠંડી વધી શકે છે. ગાંધીનગરમાં 12 અને અમદાવાદમાં નોંધાયુ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગે 28મીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ 48 કલાક સુધી વરસાદી સિસ્ટમની અસર રહેશે.
 
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતાં ધરતીપુત્રોમાં ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડિયા પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે, જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ 1.63 લાખ હેક્ટર જમીનમાં રાયડો, 1.17 લાખ હેકટર જમીનમાં ઘાસચારો, 61 હજાર હેકટર જમીનમાં ઘઉં, 58 હજાર હેક્ટર જમીનમાં બટાકા, 50 હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ 6 હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ 4.75 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોડાસા, મહિસાગર, દાહોદ, પાટણ સહિતના વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. તો પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે માવઠાની આગાહી કરી છે. જો કે ૨૯ ડિસેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે.વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ બાદ મંગળવારથી ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે અને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે. બાદમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે

સંબંધિત સમાચાર

Next Article