DGGI દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI)ના અમદાવાદ એકમ દ્વારા 22.12.2021ના રોજ કાનપુર ખાતે શિખર બ્રાન્ડ પાન મસાલા/તમાકુ પ્રોડક્ટ્સના ઉત્પાદકોના પરિસર, કાનપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં મેસર્સ ગણપતિ રોડ કેરિઅર્સની ઓફિસો/ગોદામો અને કાનપુના કન્નૌજ ખાતે આવેલ પરફ્યુમરી કમ્પાઉન્ડ્સના સપ્લાયર્સ મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના રહેણાંક/ફેક્ટરી પરિસરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.
કથિત બ્રાન્ડના પાન મસાલા અને તમાકુની પ્રોડક્ટ્સનો જથ્થો GSTની ચુકવણી કર્યા વગર લઇ જતી મેસર્સ ગણપતિ રોડ કેરિઅર્સની ચાર ટ્રકને આંતર્યા પછી, ફેક્ટરીમાં ચોપડાઓમાં નોંધવામાં આવેલા સ્ટોક સાથે વાસ્તવિક સ્ટોકની સરખામણી કરતા કાચા માલ અને તૈયાર પ્રોડક્ટ્સના જથ્થામાં ઉણપ હોવાનું માલુમ પડ્યું હતું, વધુમાં, ટ્રાન્સપોર્ટરની મદદથી ઉત્પાદક ચોરીછૂપીથી માલસામાનને પહોંચાડવામાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
જેઓ કથિત માલસામાનના પરિવહન માટે બોગસ ઇનવોઇસનો ઉપયોગ કરી રહ્યા હતા. અધિકારીઓએ આવા 200થી વધારે બોગસ ઇનવોઇસ પણ જપ્ત કર્યા હતા. શિખર બ્રાન્ડના પાન મસાલા/તમાકુ પ્રોડક્ટ્સના ઉત્પાદકોએ કર ચોરી કરી હોવાનું કબુલ્યું હતું અને તેમની કરની બાકી ચુકવણી પેટે રૂપિયા 3.09 કરોડ જમા પણ કરાવ્યા હતા.
મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોના રહેણાક પરિસરો, જે 143, આનંદપુરી કાનપુર ખાતે આવેલા છે ત્યાં 22.12.2021ના રોજથી સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સમાપ્ત થઇ ગઇ છે. આ પરિસરમાંથી પ્રાપ્ત થયેલી કુલ બેનામી રોકડ રકમ રૂ. 177.45 કરોડ છે. CBICના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી આ સૌથી વધુ રોકડ રકમ છે. સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની હાલમાં તપાસ હેઠળ છે.
આ ઉપરાંત, DGGIના અધિકારીઓ દ્વારા કન્નૌજ ખાતે મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના રહેણાક/ફેક્ટરી પરિસરમાં પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલમાં ચાલુ છે. કન્નૌજ ખાતે સર્ચ દરમિયાન, અધિકારીઓએ અંદાજે 17 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે, જેની હાલમાં SBIના અધિકારીઓ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે.
વધુમાં, 23 કિલો સોનુ અને મોટી માત્રામાં પરફ્યુમરી કમ્પાઉન્ડના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતા કાચામાલનો વિપુલ પ્રમાણમાં બેનામી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ભોંયરામાં છુપાવેલા 600 કિલોથી વધારે ચંદનના તેલનો જથ્થો પણ સામેલ છે. આ જથ્થાનું બજાર મૂલ્ય અંદાજે 6 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. કન્નૌજ ખાતે સર્ચ પ્રક્રિયા આજે સાંજ સુધી ચાલુ રહેશે તેવું અનુમાન છે.
વિદેશી સિક્કા ધરાવતો સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હોવાથી, જરૂરી તપાસ માટે મહેસુલ ઇન્ટેલિજન્સ નિદેશાલય (DRI)નો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
દરમિયાન, અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાવાઓના આધારે, DGGIના અધિકારીઓ દ્વારા મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર પીયૂષ જૈનની પૂછપરછ કરવામાં આવી હતી. અધિનિયમની કલમ 70 હેઠળ તા. 25/26.12.2021ના રોજ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા જેમાં પીયૂષ જૈને કબુલ્યું હતું કે, રહેણાક પરિસરમાંથી જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ GSTની ચુકવણી કર્યા વગર માલસામાનના વેચાણ સાથે સંકળાયેલી છે.
કન્નૌજ સ્થિત મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટાપાયે GSTની ચોરી કરવામાં આવેલી હોવાથી સજ્જડ પુરાવાઓ પ્રાપ્ત થયા હોવાનું ધ્યાનમાં રાખીને, CGST અધિનિયમની કલમ 132 હેઠળ સૂચિત ગુનાઓ આચરવા બદલ 26.12.2021ના રોજ પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને 27.12.2021ના રોજ સક્ષમ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કર ચોરીનો વાસ્તવિક આંકડો જાણવા માટે છેલ્લા પાંચ દિવસમાં સર્ચ પ્રક્રિયા દરમિયાન એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.