પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત આવી રહેલા સવાલના જવાબ આવતીકાલ સાંજ સુધી સ્પષ્ટ થશે. ગુજરાતમાં 2003-2006 દરમિયાન જન્મેલાં અંદાજે 35 લાખ જેટલાં બાળકો છે, જેમને વેક્સિનને મળવાને પાત્ર છે. વેક્સિનેશન કાર્યક્રમ કેવી રીતે? ક્યાં અને કઈ વેક્સિન મળશે જેવા સવાલો ન માત્ર વાલીઓ, પરંતુ આરોગ્યક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના મનમાં છે. મંગળવારે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે ખૂબ મહત્ત્વની વીડિયો-કોન્ફરન્સ યોજાશે.
મંગળવારે યોજાનારી કેન્દ્રના આરોગ્ય વિભાગ અને વિવિધ રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક બાદ રાજ્યમાં બાળકોના વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ શકે છે. આ માટે રાજ્યના સંચાલકો, પ્રિન્સિપાલ અને શિક્ષણ વિભાગ સાથે મળીને એક રોડ મેપ તૈયાર કરીને શકે છે. એ ઉપરાંત કોવિડ ડ્યૂટીમાં ફરી એકવાર શિક્ષકો તથા મેડિકલ સ્ટાફને વેક્સિનેશનની કામગીરી સોંપાઈ શકે છે.
દેશમાં હાલ 15થી 18 વર્ષનાં બાળકોને જ કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. એનાથી નાની ઉંમરનાં બાળકોના વેક્સિનેશન પર સરકારે હજી નિર્ણય કર્યો નથી. ડ્રગ્સ કન્ટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સિનને 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગની ભલે મંજૂરી આપી દીધી છે, પરંતુ સરકારે હાલ 15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.