ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-મેમો આવે અને તેનો દંડ ભરવા વાહનચાલક બેંકમાં જાય તો તેની પાસેથી દંડની રકમ ઉપરાંત ૧૮ ટકા સર્વિસ ચાર્જ અને ૩ ટકા જીએસટીની રકમ વસુલી લેવાય છે. આ મામલે વાહનચાલકો બંન્ને બાજુએથી દંડાઇ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આમ ૧૦૦ રૃપિયાના દંડની રકમ બેંકમાં ભરવા જતા વાહનચાલકે ૧૨૧ રૃપિયા ચૂકવવા પડી રહ્યા છે. ઇ-મેમાથી દંડીત થયેલા વાહનચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો એસબીઆઇ બેંકમાં દંડની રકમ ભરી શકે છે. પોલીસ સ્ટેશનમાં તેણે ફક્ત દંડની રકમ જ ચૂકવવાની થતી હોય છે. જ્યારે વાહનચાલક દંડની રકમ બેંક મારફતે ભરવા જાય ત્યારે તેની પાસેથી દંડની રકમ પર ૨૧ ટકા વધુ રૃપિયા લઇ લેવાય છે. જેના લીધે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અગે વાહનચાલકોના જણાવ્યા મુજબ કેટલીક એસબીઆઇ બેંકમાં આ અંગેના બોર્ડ પણ મારી દેવાયા છે. નવાઇની વાત એ છેકે બેંક જે રસીદ આપે છે તેમાં વધારાના પૈસા શેના લીધા તેનો કોઇપણ પ્રકારનો ઉલ્લેખ કરાતો નથી. જેને લઇને વાહનતચાલકો મુંઝવણની સ્થિતિમાં મુકાઇ જાય છે. બેંકે રસીદમાં દંડની રકમ પર ૧૮ ટકા સર્વિસ ચાર્જ અને ૩ ટકા જીએસટી વસુલ્યો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાની માંગણી ઉઠવા પામી છે. પોલીસ સ્ટેશનોમાં દંડની રકમ સ્વીકારવાનો સમય સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધીનો કરી દેવાની પણ માંગણી ઉઠવા પામી છે.