ખેડૂતોની 5 માંગણીઓ સ્વીકરાવવા માટે ટોલ-ફ્રી નંબર જાહેર, ગુજરાતના ખેડૂતોને ફોન કરી માંગણીઓને સમર્થન આપવા અપીલ : ખેડૂત એકતા મંચ

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:43 IST)
1. ગુજરાત સરકાર ખેતી/કૃષિ નીતિ બનાવે:
ગુજરાત સરકાર પાસે બધા ઉદ્યોગો- રસાયણ, કમ્પ્યુટર, નાના-મોટા ઉદ્યોગો, અરે ખેતી આધારિત ઉદ્યોગો માટે- નીતિ છે. પરંતુ, જેમાં રાજ્યની 60% જેટલી વસ્તી રોકાયેલી છે એ ખેતી અને પશુપાલન માટે કોઈ નીતિ જ નથી. ખેડૂતો-ગામડાઓ માટે નીતિ માંગીએ છીએ. નીતિ હોવી જ જોઈએ જેથી લાંબા ગાળાના ભવિષ્યનો ખ્યાલ આવે. ગુજરાત સરકાર તાત્કાલિક લાંબા ગાળાની નીતિ લોકો સાથે ચર્ચા-વિચારણા કરીને બનાવે.
 
2. ગુજરાત સરકાર ખેતી/કૃષિ પંચ બનાવે:
હાલ ખેડૂતોના, ગામડાના કામ અનેક સરકારી ખાતાઓમાં- ખેતી-સહકાર-મહેસુલ-નાણાં એમ અનેક ખાતાઓમાં વહેંચાયેલા છે. જમીન માટે, સરકાર સંપાદન કરે તો એક કાયદો, હાઇવે માટે કરે તો બીજો કાયદો, રેલવે માટે કરે તો ત્રીજો કાયદો, સર, જીઆઇડીસી, હાઇટેનશન લાઈન, જમીનમાં પાઈપલાઈન નીકળે તો જુદો કાયદો! ખેડૂતોએ કેટલા કાયદા ભણવાના? બધાનો સમાવેશ કરતો એક જ કાયદો ઘડો, કાયદો ઘડવામાં ખેડૂતોને વિશ્વાસમાં લો અને અમલ ખેતી પંચ હસ્તક મુકો, જેને જે કામ માટે જમીન જોઈએ તે ખેતી પંચ પાસે માંગે, ખેતિપંચ  બારોબાર નિર્ણય નહીં કરે, અસરગ્રસ્ત ખેડૂતો- ગામ સાથે વાત કરીને જમીનનો નિર્ણય કરશે.
ઉદ્યોગોના બધા કામ એક જ જગ્યાએ થાય છે તેમ ખેતી અને ગામડાંને લગતા નિર્ણયો અને અમલ કરવા માટે, તેમ અમારા બધા જ કામ એક જ જગ્યાએ, સમયસર, સ્થાનિક રીતે પતે એટલા માટે અમને સ્વતંત્ર-સ્વાયત્ત પંચ આપો.
 
3. ગુજરાત સરકાર બજેટની 50% રકમ, 60% વસ્તી, ગામડાં અને ખેડૂત,પશુપાલકો માટે કૃષિ પંચના હાથમાં મૂકે:
આઝાદી પછીના તમામ બજેટો ખેતી અને ગામડાં લક્ષી જાહેર થવા છતાં ખેતી અને ગામડાં ત્યાંના ત્યાં જ રહ્યા. એનું કારણ છે, મત મેળવવા માટે અનેક યોજનાઓ જાહેર કરાઈ, નાણાં ફાળવાયા પણ એ નાણાં ઉદ્યોગો/ઉદ્યોગપતિઓ પાસે પહોંચી જાય, સાથે ખેડૂતના પણ થોડા પૈસા ઘસડતાં જાય એવી યોજનાઓ આયોજનબદ્ધ રીતે ઘડાઈ. એમાં કોઈ પક્ષ બાકાત નથી, આગળ-પાછળ બધા જ સત્તામાં આવ્યા અને એ જ રસ્તે ચાલ્યા, કોઈએ લાભાર્થીનો વિચાર ના કર્યો, શોષણ જ કર્યું છે.
રકમ ખેડૂતો માટે ફાળવાય અને લઇ જાય વીમા કંપની, ખાતર, ઓજાર કંપની વગેરે, અમારા હાથમાં શું આવ્યું?
અમારી માંગણી છે કે, 60% વસ્તી માટે બજેટની રકમના 50% અમારા હાથમાં મુકો, અમે, ખેતી પાંચ અમારું આયોજન કરીશું, ગામની સહિયારી મિલ્કતો - નિશાળ-દવાખાનું-ગૌચર-રમતનું મેદાન વગેરે વિક્સાવીશું અને બાકીના પૈસા લાભાર્થીઓના હાથમાં મુકીશું. લાભાર્થીઓને ખબર છે કે પોતાનો વિકાસ કેવી રીતે કરવો... સરકાર એમાંથી નીકળી જાય, અમને જાતે અમારો વિકાસ કરવાની આઝાદી આપો, બજેટમાં બરાબરનો ભાગ આપો. 
 
4. તમામ પ્રકારના દેવાની માંડવાળ થાય:
ડોક્ટર અશોક ગુલાટી- જેઓ ભારત સરકાર અને અન્ય રાજ્યોના ખેતી સલાહકાર છે તેમને એક અભ્યાસ કર્યો એમાં જાણવા મળ્યું કે "સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતોને દર વર્ષે સરેરાશ 2.45 લાખ કરોડનું નુકશાન થાય છે." આ નુકશાન માટે ખેડૂતો જવાબદાર નથી, સરકાર જવાબદાર છે. જૂનો હિસાબ કરીએ તો ખેડૂતોએ લાખો કરોડ રૂપિયા સરકાર પાસે લેવાના નીકળે, અમારે એ જુના ઘા ઉખેળવા નથી, અમારા માથે તમારી ખોટી નીતિઓને કારણે જે દેવું ચડ્યું છે તે તમામ દેવું સામ-સામે માંડવાળ કરીએ, માફી નથી માંગતા, ભૂલ અમારી નથી, તમારી છે એટલે માંડવાળ કરીએ..
 
5. ખેતી-પશુપાલન-જંગલ-માછીમારી આધારિત ઉદ્યોગોમાં મૂડી-રોકાણ:
હાલ જે બેરોજગારી દેખાઈ રહી છે તે હવે કાયમી વધવાની છે, ઘટવાની નથી જો આ જ મોટા ઉદ્યોગો તરફી રસ્તે ચાલીએ તો. વિશ્વ બેન્કનો એક અભ્યાસ કહે છે કે આગામી 5 વર્ષમાં ભારતમાં 66% લોકો બેરોજગાર હશે. ઉદ્યોગોમાં કૃત્રિમ બુદ્ધિ પછી યુવાનો માટે રોજગારની તકો નથી. ડાઇવર વગરની બસ, કોમ્પ્યુટર પર સલાહ અને ઘેરબેઠા, ડ્રોનથી માલ-સમાન પહોંચાડવાની વ્યવસ્થાના યુગમાં રોજગાર નહીં મળે. તેથી, અમારાં સંતાનો માટે અમે જ વ્યવસ્થા કરવા માંગીએ છીએ તેથી, ખેતી-પશુપાલન-જંગલ અને માછીમારી આધારિત, વિકેન્દ્રિત નાના ઉદ્યોગોમાં સરકાર મૂડી રોકાણ કરે જેથી રોજગાર મળી રહે, ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન થાય અને યુવાપેઢીને રોજગાર મળે.
 
સરકારે આ માંગણીઓ સ્વીકારવી પડે એટલા માટે ગુજરાતભરમાંથી 25,00,000 (પચીસ લાખ) ખેડૂતોનું સમર્થન આ માંગણીઓ માટે મેળવવા માટે એક ટોલ-ફ્રી નંબર : 7827100300 જાહેર કર્યો  છે. 
25 લાખ સહીઓ એકથી થયા પછી આગળના કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article