વરસાદ ખેંચાતા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી વધ્યું, ખેડૂતોને પાક સુકાવાની ચિંતા

Webdunia
સોમવાર, 9 ઑગસ્ટ 2021 (11:29 IST)
ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની કોઈ શક્યતાઓ નથી. વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન પણ 5 ડિગ્રી સુધી વધી ગયું છે. ગરમી વધવાથી લોકો હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ છે તો કેટલાક ભાગોમાં વરસાદની ભારે અછત છે. ચાલુ વર્ષે ચોમાસાના સાનુકૂળ સંજોગો હોવા છતાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થવા છતાં પણ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થઈ છે.

વરસાદ અંગે જોતા ઓગસ્ટ માસમાં તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા.18 થી 24 સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં થયો છે. છોટા ઉદેપુરમા 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, સુરતમાં હળવો વરસાદ થયો છે. આગામી સમયમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ નહીંવત છે. 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article