ગુજરાતમાં સિંહો સાથે સેલ્ફી લેતા અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. આ વન્યપ્રાણીની પજવણી કરવાની ઘટનાઓ પણ વધી રહી છે. અમરેલીના ખાંભામાં સિંહ સાથે સેલ્ફી લઈને એની પજવણી કરવાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. વન વિભાગે સિંહની પજવણી કરનારા અમદાવાદના બે શખસને ઝડપી લીધા છે.
બંને શખ્સો સિંહની નજીક ગાડી લઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખાંભા તુલસીશ્યામ રેન્જમાં હનુમાનપુરથી દલડી રોડ રેવન્યુ વિસ્તારમાં સિંહ જોવાના ઈરાદે અમદાવાદના રોહિત રાજપૂત અને તેજસ પરમાર ગયા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે સિંહને બેઠેલો જોઈને તેની પર ગાડીની હેડ લાઈટ મારી હતી. તે ઉપરાંત હોર્ન વગાડતા વગાડતાં સિંહની નજીક ગાડી લઈ ગયા હતા અને સિંહની પજવણી કરી હતી.
પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા
આ બન્ને શખસોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ વન વિભાગને સૂચના આપી હતી. જેથી ખાંભા તુલસી શ્યામ રેન્જની ટીમ દ્વારા તપાસ કરી બંને શખ્સોની ધરપકડ કરી આજે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી.બંને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓ કેટલા લોકો આ રેન્જમાં આવ્યા હતા? તેમની પાસે અન્ય વીડિયો છે કે કેમ? એ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.