પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારોની સામે આજરોજ ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ABVPના કાર્યકરોએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાના મગજનું ઓપરેશન કરી પૂતળાનું દહન કર્યું હતું. આ સમયે અમદાવાદમાં પોલીસકર્મી આગને બુઝાવવા જતા દાઝ્યો હતો. તો વડોદરામાં પોલીસ અને ABVPના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું.
પશ્ચિમ બંગાળમાં TMCના નેતાઓ દ્વારા થઈ રહેલી હિંસા મામલે સમગ્ર દેશમાં આજે ABVP અલગ-અલગ સ્થળોએ વિરોધ કરી રહ્યું હતું. ત્યારે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે ABVP દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વિરોધ દરમિયાન જસ્ટિસ ફોર સંદેશખાલી બેનર પર લોકો સહી કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા અચાનક ગાડીમાં પૂતળું લાવી રસ્તાની વચ્ચે લઇ જઇને તેના પર પેટ્રોલ નાખી આગ ચાપી દીધી હતી. આગ લાગતાં જ દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ આગ બુઝાવવા પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ABVPના કેટલાક કાર્યકરોએ ફરીથી પેટ્રોલ નાખી આગ લગાવી હતી.આ ઘટના દરમિયાન બંદોબસ્તમાં આવેલા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી દાઝ્યો હતો. પોલીસકર્મીના કપડા સુધી આગ લાગતાં લોકો આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસકર્મીના શરીના મોઢા અને ગળાના ભાગે ઈજા પહોંચી છે. જેથી પોલીસકર્મીને તાત્કાલિક પોલીસની ગાડીમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ પોલીસે કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી છે, જ્યારે કેટલાક આગેવાનોને પીઆઈ દ્વારા ગુનો દાખલ કરવા સુધીની મૌખીક સૂચના આપવામાં આવી છે.