મહાશિવરાત્રીના મેળાને વધુ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજકોટથી 50 બસો વધુ બસો દોડાવાશે. તથા અમદાવાદથી 50 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી 250 બસો દોડાવાશે. જુનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે. ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ થયો છે. 9.30 કલાકે ધ્વજા ચડાવવાનું મુહૂર્ત હતુ. જેમાં સાધુ સંતની હાજરીમાં ધજા ચડાવી છે. ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રગટ્યા છે.
મહાવદ નોમથી મહાશિવરાત્રિ સુધી યોજાનાર 4 દિવસીય મહાશિવરાત્રિ મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્ર્રોક્ત વિધિવિધાન કરવામાં આવ્યા છે. અન્નક્ષેત્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો ચાલશે જેમાં લાખો શ્રદ્વાળુઓ શિવરાત્રીના મેળામાં ભાગ લેશે. સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આરંભ થયો છે, ત્યારે દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા છે.