મૃતકની છેલ્લી સફરમાં તેના અંતિમ સ્થાન સ્વર્ગ સુધી પહોંચાડવા માટે બારડોલીમાં ‘અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મૃત્યુબાદ પરિવારજનોના દુઃખને હળવું કરવા તેમજ આત્માને વિમાન રૂપી માધ્યમ દ્વારા મોક્ષ પ્રાપ્તી થાય તે માટે સ્મશાનને એરપોર્ટની થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે માટે વિમાનના બે મોટા મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ‘મોક્ષ એરપોર્ટ’ પર કોઈની અંતિમ યાત્રા પહોંચે તો પહેલા જ બે મોટા વિમાન જોવા મળશે. એક વિમાન ‘મોક્ષ એરલાઈન્સ’ અને બીજું વિમાન ‘સ્વર્ગ એરલાઈન્સ’નું દેખાશે. ગેટમાં એન્ટ્રી થતાં તેમને એરપોર્ટ પર જે રીતે અનાઉન્સમેન્ટ સંભળાય છે તેવું અનાઉન્સમેન્ટ સાંભળવા મળશે. સદગતની આત્માના અંતિમ પ્રવાસ માટે આ નંબરના ગેટ પર પ્રવેશ કરવો. અંતિમ ક્રિયા માટે આવતા મૃતકના પરિવારજનોનું દુઃખ ઘટે, લોકોને શાંતિ અને આશ્વાસન મળી રહે તે માટે એરપોર્ટ જેવો મહોલ તૈયાર કરાયો છે.