સુરતમાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે સુરત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. છેલ્લા પંદર દિવસથી કોરોના સામે લડાઈ લડી રહેલા યુવાને અંતે માત આપી સાજો થયો છે. આ યુવાનને ડિસ્ચાર્જ મળતા નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે તાળીઓ ગડગડાટથી તેને વધાવી લીધો હતો.જ્યારે યુવાને પણ હોસ્પિટલના સ્ટાફની કામગીરીને વખાણ કરી ટ્રોમા સેન્ટર બહાર બે હાથ જોડીને આભાર માન્યો હતો.
સામાન્ય રીતે લોકો મંદિર પ્રત્યે એટલી આસ્થા રાખે છે કે મંદિરમાં પ્રવેશ કરતા અથવા નીકળતી વેળાએ પગે લાગે છે, પરંતુ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસની સારવારને લઈને સાજા થઇ આવનાર લોકો માટે સરકારી હોસ્પિટલ એક મંદિરની જેમ પવિત્ર સ્થળ બની ગયું છે. જેનું એક ઉદાહરણ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું.
કોરોનાગ્રસ્ત ડી-માર્ટનો કર્મચારી જ્યારે સાજો થઇ પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેણે સુરત સિવિલના ટ્રોમા સેન્ટરના મેન ગેટને પગે પડ્યો હતો. આ ભાવુક દ્બશ્ય જોઈ સ્પષ્ટ થાય છે કે કોરોનાની જંગ જીતવા માટે સરકારી હોસ્પિટલ આજે એક દર્દી માટે કેટલો મહત્વનું સ્થળ છે. કોરોના સામે જંગ જીતી પોતાના ઘરે જનાર દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ કેટલું પૂજનીય સ્થળ બની જાય છે તે સુરત ખાતે જોવા મળ્યું હતું.
પાંડેસરાના ડી-માર્ટ મોલમાં કામ કરતા અને ઉધના બમરોલી રોડ સ્થિત હરિધામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મંગેશ વનારેનો 31મી માર્ચના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા સુરત નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની મેડિકલ સારવાર હાલ ચાલી રહી હતી. કોરોના સામેની છેલ્લા પંદર દિવસની લાંબી લડાઈ બાદ યુવાનનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો.
જ્યાં રિપોર્ટ નેગેટિવ આવતા આખરે મંગેશ ને આજ રોજ હોસ્પિટલ દ્વારા દિશચાર્જ આપવામાં આવ્યો હતો. મંગેશે જણાવ્યું હતું કે, પોતાને કોરોના પોઝીટીવ આવ્યો હોવા છતાં તે ગભરાયો ન હતો. એક સામાન્ય જીવન તે છેલ્લા પંદર દિવસથી હોસ્પિટલમાં પસાર કરી રહ્યો હતો. જે લોકો કોરોનાના નામ માત્ર થી ડરી રહ્યા છે તેઓને મારો આ સંદેશ છે કે તેઓ બિલકુલ પણ ભયભીત નહીં થાય.
હોસ્પિટલના સ્ટાફ તરફથી ખૂબ જ સાથ-સહકાર મળ્યો.કોરોનાને માત આપી ઘરે પરત ફરેલા મંગેશનું ઘર નજીક આવેલ સોસાયટીના લોકો દ્વારા પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકોએ થાળી - વેલણ વગાડવાની સાથે પુષ્પવર્ષા કરી તેનો હોંસલો અને જુસ્સો વધાર્યો હતો. સુરતમાં અત્યારસુધી 8 કોરોનાના દર્દીઓ સાજા થઈને રજા લઈ ચુક્યા છે.