આજે સમગ્ર રાષ્ટ્રમાં ગૌ-સંવર્ધનના પ્રયાસો ચાલી રહ્યા છે. ગાય માતા પ્રકૃતિનું એક એવું અંગ છે જેમાં માનવીની લગભગ તમામ સમસ્યાઓનું નિવારણ રહેલુ છે ત્યારે તેના સંવર્ધન માટે અનેક પહેલ અને પ્રયાસો કરવામાં આવે તે સ્વાભાવિક છે.
ગાયનું પાલન-પોષણ કરવું, આપણા અનેક પ્રસંગે ગાયને ઘાસ-ચારાનું નિરણ કરવું વગેરે વાતો અને પ્રસંગો રોજબરોજ આપણી નજર સમક્ષ આવતા રહે છે. પરંતુ કચ્છના સુખપર ગામના ગૌ પ્રેમી પરિવારે તદ્દન નૂતન પહેલ કરી તેમની દિકરીના લગ્ન પ્રસંગને જ ગૌમય બનાવી દીધો છે.
કચ્છના સુખપર ગામે કાંતિભાઇ કેરાઇની સુપુત્રી ચિ. નિશાબેનના લગ્ન લેવાયા અને સમગ્ર ગૌ પ્રેમી પરિવાર લગ્નની તૈયારીમાં લાગી ગયો. છેલ્લા ચાર-છ મહિનાથી લગ્નની પુર્વ તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ કંઇક અલગ જ ઓપ સાથે. સમગ્ર લગ્ન પ્રસંગને ગૌમય બનાવી દેવા માટે કાંતિભાઇ તેમજ તેમના ગૌપ્રેમી પરિવારે લગ્ન-મંડપને જ ગૌમય બનાવવાનો વિચાર કર્યો.
જેના લગ્ન લેવાયા છે તેવા કન્યા નિશાબેન ખુદે નિલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાગલપરમાં ગોબર ક્રાફટ શિખવા માટે પ્રશિક્ષણ લીધું અને કેવી રીતે ગાયના ગોબર તેમજ તેનાથી બનેલા વિવિધ ક્રાફટથી સજાવટકરવી તે અંગે માહિતી મેળવી અને સંપુર્ણ પરિવાર સાથે સહેલીઓ, મિત્રોએ મંડપ ઉભો કરવા મહેનતે લાગી ગયા અને તેમની આ નૂતન પહેલ અને કંઇક નવીન કરવાના ઉત્સાહ સાથે આંખો ઠરે અને હૈયું નૃત્ય કરે તેવા સાદગી અને ગૌભક્તિ સાથેના જાજરમાન શુસોભન સાથે મંડપ તૈયાર થયો
નિશાબેનના હાથમાં મહેંદીની સુવાસ પ્રસરે તે પહેલા ગોબરની પવિત્ર સુવાસ પ્રસરી રહી અને એ સુવાસની સુગમતા સંપૂર્ણ કેરાઇ પરિવાર અને સગા વ્હાલાઓના ચહેરા પરના સ્મિતમાં રેલાઇ રહી.
ગૌ પ્રેમ અને ગૌ સંવર્ધન માટેની નિષ્ઠા છલકાવતી આ નૂતન પહેલની પ્રેરણા મેઘજીભાઇ હિરાણીએ આપી હતી અને તેમણે તેમજ નિલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કેરાઇ પરિવારને પૂરતો સહકાર અપાયો હતો.